Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વિમાન પ્રવાસ મોંઘો થશે

એવિયેશન ટર્બાઇન ફયુઅલમાં ફરી ભાવવધારો

નવી દિલ્હી,તા. ૧૭: એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)માં ચાલુ મહિને બીજી વખત ભાવવધારો થતાં વિમાનની મુસાફરી મોંઘી થવાની પૂરી શકયતા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થયેલા વધારાને કારણે રવિવારે જેટ ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં ૪.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

જોકે, સતત ૭૨મા દિવસે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો.

એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર રૂ. ૩,૨૩૨.૮૭નો વધારો કરવામાં આવતાં રાજધાની દિલ્હીમાં અટીએફનો ભાવ વધીને પ્રતિકિલોલિટર રૂ. ૭૯,૨૯૪.૯૧ થઈ ગયો હતો.

એટીએફના ભાવમાં આ મહિને બીજીવાર વધારો કરવામાં આવ્યો હતો. ૧, જાન્યુઆરીએ એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર રૂ. ૨,૦૩૯.૬૩ કે ૨.૭૫ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

નવેમ્બરના બીજા પખવાડિયા અને ડિસેમ્બરના મધ્યમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનાં ભાવમાં જોવા મળેલા દ્યટાડાને પગલે ડિસેમ્બરમાં એટીએફના ભાવમાં બે વખત દ્યટાડો કરવામાં આવ્યો હતો.

જોકે, ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ફરી વધારો થતાં જાન્યુઆરીમાં એટીએફના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો.

૧ અને ૧૫ ડિસેમ્બરે એટીએફના ભાવમાં પ્રતિકિલોલિટર કુલ રૂ. ૬,૮૧૨.૨૫ કે ૮.૪ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો તે અગાઉ નવેમ્બરના મધ્યમાં એટીએફનો ભાવ સર્વોચ્ચ સપાટીએ એટલે કે પ્રતિકિલોલિટર રૂ. ૮૦,૮૩૫.૦૪ની સપાટીએ હતો.

(10:19 am IST)