Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૧૫ દિવસમાં કોરોનાના કેસ ઘટશે : પીકમાં હોસ્પિટલો હાઉસફૂલ નહીં થાય

બીજી લહેરમાં ૧૭ દિવસે દર્દી સાજા થતા હતા હવે ૫-૭ દિવસમાં દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ : બિનજરૂરી સ્ટીરોઇડ કે ઝિંક જેવી દવા બ્લેક ફંગસ નોતરી શકે

નવી દિલ્હી તા. ૧૭ : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં આમ તો હોસ્પિટલાઈઝેશન નહિવત્ પ્રમાણમાં છે, પરંતુ જે કોવિડ દર્દી હોસ્પિટલમાં છે તેઓ મોટે ભાગે પાંચથી સાત દિવસમાં સાજા થઈ રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ૧૫થી ૧૭ દિવસ હોસ્પિટલે દાખલ રહેવું પડતું હતું. ગત ૧૬જ્રાક ડિસેમ્બરથી કેસ વધવાના શરૂ થયા છે એટલે અત્યારે કોરોનાની ત્રીજી લહેરને એક મહિનો થયો છે.

નવા કેસો જે રીતે વધી રહ્યા છે, તેને જોતાં ૧૫ દિવસ સુધી કેસ વધુ નોંધાશે. જે બાદ નવા કોવિડ કેસ ઘટવાનું શરૂ થશે. એકંદરે હોસ્પિટલો હાઉસફૂલ નહિ થાય તેવો વર્તારો છે. તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે.

દેશમાં ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોવિડ કેસો વધારે છે, આગામી ૧૫ દિવસ સુધી ઉછાળો આવશે તેવી શકયતા છે તેમ કહેતાં ડો. જરદોશનું કહેવું છે કે, કોવિડ કેસમાં ઉછાળો બહુ ભયાનક સાબિત નહિ થાય. તબીબોનું કહેવું છે કે, ગુજરાતમાં ૪૫ વર્ષ કે તેથી વધુ વયના ૯૦ ટકા લોકોએ રસીના ડોઝ લીધા છે, ત્રીજી લહેરમાં મૃત્યુ થયા છે તેમાં મોટા ભાગના લોકો ઉંમર લાયક અથવા તો કો-મોર્ડિબિટીવાળા એટલે કે કોઈને કોઈ ગંભીર બીમારી વાળા છે.

સંખ્યાબંધ લોકો એવા પણ છે જેમને અત્યારે શરદી-ખાંસી-તાવ છે અને એ લોકો ય કોવિડમાંથી પસાર થઈ ચૂકયા છે, અત્યારે એવી આશા છે કે, આગામી ૧૫ દિવસમાં ત્રીજી લહેરના કેસ ઘટવાનું શરૂ થશે, તબીબોનું માનવું છે કે, ઘરે બેઠા ટેસ્ટ કરાવાના પોઝિટિવ આવે છે અને શરદી-તાવ વાળા પોઝિટિવ દર્દી છે, એ દર્દી સરકારી ચોપડે જાહેર થતાં નથી, એ હિસાબે ગુજરાતમાં રોજના ૨૦થી ૩૦ હજાર જેટલા નવા કોવિડ કેસ આવી રહ્યા છે.

આઈએમએ સાથે સંકળાયેલા ડો.મૂકેશ મહેશ્વરીનું કહેવું છે કે, વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાને ફલૂની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે, અત્યારે તો ભારતમાં કોરોના પીક ઉપર છે, હાલની સ્થિતિએ આપણે કોરોનાને ફલૂ તરીકે જાહેર કરીએ તો કોરોના પોઝિટિવ દર્દી બિન્ધાસ્ત થઈને ફરવા લાગશે.

આગામી ૧૫ દિવસ પીકથી પસાર થાય, વધુ ડેટા આવે અને કેસો ઘટે તો નિયમોમાં ચોક્કસથી ઢીલાશ લાવી શકાય. પોઝિટિવ દર્દીએ ઘરે જાતે અખતરા ન કરવા જોઈએ, બિનજરૂરી સ્ટીરોઈડ કે ઝીંક જેવી દવા લે તો આગામી દિવસમાં બ્લેક ફંગસ જેવી બીમારીની શકયતા છે.

તબીબો કહે છે કે, ઓમિક્રોન પોઝિટિવ દર્દી માત્ર પાંચ મિનિટ માટે અન્ય કોઈ વ્યકિતના સંપર્કમાં આવે તો તે સામેની વ્યકિતને સંક્રમિત કરી શકે છે, કલોઝ કોન્ટેકટમાં ના હોય તો ૨૦ મિનિટમાં પોઝિટિવ વ્યકિત સામેની વ્યકિતને સંક્રમિત કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે ઘરે-ઓફિસે બારી બારણાં ખુલ્લાં રાખવા હિતાવહ છે, તેનાથી તરત જ ચેપ લાગવાની શકયતા ઓછી થશે.

(10:21 am IST)