Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ખેડૂત નેતા નરેશ ટિકૈતને આજે મળશે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા

લખનૌ, તા.૧૭ : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન ખેડૂત નેતા નરેશ ટિકેતને મળવા પહોંચ્યા છે. બાલિયાનના સિસોલીમાં ટિકૈતના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી. ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતનુ થોડા દિવસ પહેલા હાથનુ ઓપરેશન થયુ હતુ. બાલિયાન તેમની તબિયતની જાણકારી લેવા સિસોલી પહોંચ્યા હતા.

સંજીવ બાલિયાન અને નરેશ ટિકૈત એક જ ખાપથી આવે છે. નરેશ ટિકૈત બાલિયાન ખાપના જ ચૌધરી છે. એટલુ જ નહીં, બંને મુઝફ્ફરનગરના જ છે.

નરેશ ટિકૈત, રાકેશ ટિકૈતના મોટા ભાઈ છે. રાકેશ ટિકૈત નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી-યુપી બોર્ડર પર ધરણા પર બેસ્યા હતા. એક વર્ષથી વધારે વીત્યા બાદ જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને રદ કર્યા ત્યારે રાકેશ ટિકૈત પોતાના ગામ સિસોલી પાછા ગયા હતા. રાકેશ ટિકૈતે ભાજપ માટે પ્રચાર પણ કર્યો હતો.

આ મુલાકાતને યુપી ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. નરેશ ટિકૈતે પહેલા સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઠબંધનનુ સમર્થન કર્યુ હતુ. જોકે, કેટલાક કલાક બાદ જ તેમણે પોતાનુ નિવેદન પાછુ લીધુ અને કહ્યુ કે અમે ચૂંટણીમાં કોઈનુ પણ સમર્થન કરી રહ્યા નથી. બીજી તરફ રાકેશ ટિકૈતે અત્યાર સુધી કોઈ પણ દળનુ સમર્થન ના કરવાની વાત પહેલા જ કહી છે.

યુપીમાં કુલ ૪૦૩ બેઠક છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનુ છે. આ તબક્કા હેઠળ ૧૦ ફેબ્રુઆરી, ૧૪ ફેબ્રુઆરી, ૨૦ ફેબ્રુઆરી, ૨૩ ફેબ્રુઆરી, ૨૭ ફેબ્રુઆરી, ૩ માર્ચ અને ૭ માર્ચે મતદાન થશે. પરિણામ ૧૦ માર્ચે બાકી રાજ્યની સાથે આવશે.

(2:37 pm IST)