Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બિરજુ મહારાજ જે હોસ્પિટલમાં જન્મ્યાં તે દિવસે તેમને છોડીને તમામ છોકરીઓ જન્મેલીઃ માત્ર ૧૩ વર્ષની ઉંમરે નૃત્ય શિખડાવવાનું શરૂ કરેલ

તેમણે વિભિન્ન -કારની નૃત્યાવલીઓ ગોવર્ધન લીલા, માખણ ચોરી, માલતી-માધવ, કુમાર સંભવ અને ફાગ બહારની રચના કરી

નવી દિલ્હી,તા.૧૭: કથક સમ્રાટ બિરજુ મહારાજનું અવસાન એ નૃત્ય-સંગીત જગત માટે મોટી ક્ષતિ છે. કથકના પર્યાય રહી ચુકેલા બિરજુ મહારાજ દેશના -સિદ્ધ શાસ્ત્રીય નર્તક હતા. તેઓ ભારતીય નૃત્યની કથક શૈલીના આચાર્ય અને લખનૌના કાલકા બિંદાદીન ઘરાણાના પ્રમુખ હતા. તેમના જન્મથી લઈને અવસાન સુધીની કહાની ખૂબ જ રોચક છે.

બિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ લખનૌના કાલકા-બિન્દાદીન ઘરાણામાં થયો હતો. બિરજુ મહારાજનું નામ પહેલા દુખહરણ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં બદલીને બ્રિજમોહન નાથ મિશ્રા થયું. તેમના પિતાનું નામ જગન્નાથ મહારાજ હતું જેઓ લખનૌ ઘરાણાઁથી હતા અને તેઓ અચ્છન મહારાજના નામે ઓળખાતા હતા. બિરજુ મહારાજ જે હોસ્પિટલમાં જન્મ્યા તે દિવસે ત્યાં તેમના સિવાય બાકીની તમામ છોકરીઓનો જન્મ થયો હતો. આ કારણે જ તેમનું નામ બ્રિજ મોહન રાખી દેવામાં આવ્યું જે આગળ જતાં બિરજુ અને પછી બિરજુ મહારાજ થઈ ગયું.

પિતા અચ્છન મહારાજને પોતાના ખોળામાં માત્ર ૩ વર્ષની ઉંમરે જ બિરજુની પ્રતિભા દેખાવા લાગી હતી. તેને ધ્યાનમાં રાખીને પિતાએ બાળપણથી જ પોતાના યશસ્વી પુત્રને કલા દીક્ષા આપવાની શરૂઆત કરી દીધી. પરંતુ તેમના પિતાનું અવસાન થઈ ગયા બાદ તેમના ચાચાઓ, સુપ્રસિદ્ધ આચાર્યો શંભુ અને લચ્છુ મહારાજે તેમને પ્રશિક્ષિત કર્યા હતા. બિરજુ મહારાજને કળાના સહારે જ લક્ષ્મી મળતી રહી. તેઓ માત્ર ૯ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું.

બાળપણથી મળેલી નૃત્ય અને સંગીતની શિક્ષાના કારણે બિરજુ મહારાજે વિભિન્ન પ્રકારની નૃત્યાવલીઓ જેમ કે, ગોવર્ધન લીલા, માખણ ચોરી, માલતી-માધવ, કુમાર સંભવ અને ફાગ બહારની રચના કરી. સત્યજીત રૉયની ફિલ્મ શતરંજ કે ખિલાડી માટે પણ તેમણે ઉચ્ચ કોટિની ૨ નૃત્ય નાટિકાઓ રચી. તેમને તાલ વાદ્યોની વિશિષ્ટ સમજણ હતી, જેમકે તબલા, પખવાજ, ઢોલક, નાલ અને તારવાળા વાદ્ય વાયોલિન, સ્વર મંડલ અને સિતાર વગેરેના સૂરનું પણ તેમને ઉંડુ જ્ઞાન હતું.

૧૯૯૮માં અવકાશ ગ્રહણ કરતા પૂર્વે પંડિત બિરજુ મહારાજે સંગીત ભારતી, ભારતીય કલા કેન્દ્રમાં અધ્યાપન કર્યું તથા દિલ્હીમાં કથ્થક કેન્દ્રના પ્રભારી પણ રહ્યા. તેમણે દેશમાં અને દેશની બહાર હજારો સંગીત પ્રસ્તૃતિઓ આપી. બિરજુ મહારાજે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત કર્યા હતા. તેમને પ્રતિષ્ઠિત સંગીત નાટક અકાદમીઁ, પદ્મ વિભૂષણ એનાયત થયા હતા. મધ્ય પ્રદેશ સરકારે તેમને કાલિદાસ સન્માન વડે નવાજ્યા હતા.

બિરજુ મહારાજે માત્ર ૧૩ વર્ષની ઉંમરે દિલ્હીની સંગીત ભારતી ખાતે નૃત્યનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો. ત્યાર બાદ તેમણે દિલ્હીમાં જ ભારતીય કલા કેન્દ્રમાં શીખવવાની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ તેમણે કથક કેન્દ્ર (સંગીત નાટક અકાદમીનું એકમ)માં શિક્ષણ કાર્ય આરંભ કર્યો. ત્યાં તેઓ ફેકલ્ટીના અધ્યક્ષ હતા અને ડિરેકટર પણ રહ્યા. તત્પશ્ચાત ૧૯૯૮માં તેમણે ત્યાંથી સેવાનિવૃત્તિ મેળવી. ત્યાર બાદ દિલ્હીમાં જ કલાશ્રમ નામનું એક નાટ્ય વિદ્યાલય ખોલ્યું.

બિરજુ મહારાજનો પરિવાર હર્યોભર્યો છે. તેમના ૫ બાળકો છે જેમાં ૩ દીકરી અને ૨ દીકરા છે. તેમના ૩ બાળકો મમતા મહારાજ, દીપક મહારાજ અને જય કિશન મહારાજ પણ કથકની દુનિયામાં નામ રોશન કરી રહ્યા છે.

બિરજુ મહારાજને અનેક સન્માન મળ્યા. ૧૯૮૬માં તેમને પદ્મ વિભૂષણ એનાયત થયો. તે સિવાય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલીદાસ સન્માન પ્રમુખ છે. આ સાથે જ તેમણે કાશી હિંદુ વિશ્વવિદ્યાલય અને ખૈરાગઢ વિશ્વવિદ્યાલયમાંથી ડોકટરેટની માનદ ઉપાધિ મેળવી. ૨૦૧૬ના વર્ષમાં ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં મોહે રંગ દો લાલ ગીત પર નૃત્ય-નિર્દેશન માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. ૨૦૦૨માં તેઓ લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત થયા. ૨૦૧૨માં વિશ્વરૂપમ માટે સર્વશ્રેષ્ઠ નૃત્ય નિર્દેશનનો અને ૨૦૧૬માં  બાજીરાવ મસ્તાની માટે સર્વશ્રેષ્ઠ નૃત્ય નિર્દેશનનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો.

(2:37 pm IST)