Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કોવિડ કાળમાં દેશમાં વેચાયેલી તમામ Dolo ટેબ્લેટ્સને એક પર એક મૂકો તો બુર્જ ખલીફા જેટલી ઊંચાઈ થાય!

તાવનું કારણ જાણી ન શકાય ત્યારે ડોલો-૬૫૦નું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે : ભારતમાં ૨૦૨૦માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી આ એન્ટી ફિવર દવાની ૩૫૦ કરોડથી વધુ ગોળીઓ વેચાઈ છે

મુંબઇ, તા.૧૭: શું તમે કોવિડ-૧૯ મહામારી દરમિયાન Dolo ૬૫૦ નો ઉપયોગ કર્યો છે? તમે અને મેં અને બીજા ઘણા લોકોએ ચોક્કસથી કર્યો હશે. ડેટા દર્શાવે છે કે, ભારતમાં ૨૦૨૦માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી આ એન્ટી ફિવર દવાની ૩૫૦ કરોડથી વધુ ગોળીઓ વેચાઈ છે.કોવિડ-૧૯ના સૌથી સામાન્ય લક્ષણોમાંના એક તાવ છે, જેના પગલે આ ગોળીના વેચાણમાં છેલ્લા બે વર્ષમાં બમણો વધારો થયો છે જયારે પેરાસિટામોલની ગોળીઓ શરદી અને તાવ માટે સૌથી વધુ વપરાતી દવાઓમાંની એક છે.

જો આપણે બધા ૩૫૦ કરોડ ટેબલેટને વર્ટિકલ સ્ટેક કરીએ, તો તે માઉન્ટ એવરેસ્ટ કરતાં લગભગ ૬,૦૦૦ ગણું ઊંચું થાય, એટલે કે તે વિશ્વના સૌથી ઊંચા પર્વત - અથવા વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા કરતાં પણ લગભગ ૬૩,૦૦૦ ગણું ઊંચું થાય.

રિસર્ચ ફર્મ IQVIAના ડેટા અનુસાર, ભારતમાં ૨૦૧૯ માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પહેલા ડોલો ટેબ્લેટની લગભગ ૭.૫ કરોડ સ્ટ્રીપ્સ વેચાઈ હતી. સમય જતા દવાનું વાર્ષિક વેચાણ ૯.૪ કરોડ સ્ટ્રીપ્સ પર પહોંચ્યું – એક સ્ટ્રીપમાં ૧૫ ગોળીઓ પ્રમાણે તે ૧૪૧ કરોડ ગોળીઓ હતી, વેચાણ આગળ જતા ૧૪.૫ કરોડ સ્ટ્રીપ્સ પર પહોંચ્યું હતું. નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨૧૭ કરોડ ટેબલેટનું વેચાણ થઈ ચુકયું છે.

ડોલો ૨૦૨૧ માં રૂ. ૩૦૭ કરોડના ટર્નઓવર સાથે ભારતમાં બીજા નંબરની સૌથી વધુ વેચાતી એન્ટી ફિવર અને એનાલજેસિક ટેબ્લેટ છે જયારે GSKના કેલ્પોલ રૂ. ૩૧૦ કરોડના ટર્નઓવર સાથે તેનાથી માત્ર એક સ્થાન ઉપર છે.

જાન્યુઆરી ૨૦૨૦ માં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછીથી ‘DOLO 650’ લગભગ ૨ લાખ સર્ચ સાથે Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ કીવર્ડ હતો જયારે ‘Calpol 650’ લગભગ ૪૦,૦૦૦ વખત જોવામાં આવ્યો હતો.

પેરાસીટામોલ, એક સામાન્ય દવા છે, જે સામાન્ય પેઇનકિલર છે જેનો ઉપયોગ દુૅંખાવાની સારવાર માટે થાય છે

ડોલો એ દરેક વસ્તુ માટે વન-સ્ટોપ સોલ્યુશન છે — પછી તે તાવ હોય, શરીરમાં દુઃખાવો હોય, કોવિડ-૧૯ હોય, માથાનો દુઃખાવો હોય કે દાંતનો દુઃખાવો હોય, લોકો ડોલોનો જ ઉપયોગ કરે છે.

૨૦૧૦ માં ડોલો ૬૫૦ એ વર્ષની શ્રેષ્ઠ સંચાલિત બ્રાન્ડ તરીકે પુરસ્કૃત કરવામાં આવી હતી, ત્યારબાદ, તે ભારતની સૌથી વધુ પ્રશંસનીય બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવી હતી.

ડો. એસ.પી. કલંત્રી, મેડિસિનના પ્રોફેસર, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મહારાષ્ટ્ર માને છે કે તે ડોલોની ખ્યાતિ પાછળ અનેક વસ્તુ રહેલી છે.

ડોલોને કઈ બાબત લોકપ્રિય બનાવી રહી છે?

ડોકટરો, બ્રાન્ડ નિષ્ણાતો અને ઉદ્યોગના દિગ્ગજો દ્વારા જે કારણ જણાવવામાં આવ્યું તે મુજબ આ દવાની લોકપ્રિયતાનું કારણ તેનું ટૂંકું અને ક્રિસ્પ બ્રાન્ડ નામ છે. તે અન્ય બ્રાન્ડ જેમ કે પાયરીજેસિક, પેસિમોલ, ફેપાનીલ અને પેરાસીપ કરતાં સરળ છે. જેથી તે સરળતાથી યાદ પણ રહી જાય છે.

બીજું કારણ કંપનીનો ૬૫૦ મિલિગ્રામ (MG) કેટેગરીમાં પ્રવેશ છે. આ બાબત લોકોને માનવા પર પ્રેરિત કરે છે કે અજાણી બીમારીઓને કારણે તાવ પર આ દવા વધુ અસરકારક છે.

૧૯૭૩ માં સ્થપાયેલ બેંગલુરુની માઇક્રો લેબ્સ (ડોલોના નિર્માતા) એ જણાવ્યું કે, તેમાં ૬૫૦ મિલિગ્રામ પેરાસિટામોલ છે, જયારે બાકીનામાં ૫૦૦ મિલિગ્રામ છે. જેથી આ દવા ડોલો-૬૫૦ તરીકે લોકપ્રિય બની છે. લોકોનું માનવું છે કે તે ૫૦૦ એમએલ કરતા રાહત આપવામાં વધુ અસરકારક છે.

બ્રાન્ડનું માનવું છે કે તેમના બ્રાન્ડ પ્રમોશનમાં ‘FUO’ શબ્દનો ઉપયોગ કરવાની માઇક્રોલેબ્સની વ્યૂહરચનાએ પ્રિસ્ક્રિપ્શનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેથી કોઈપણ તાવની સ્થિતીમાં ડોકટર ડોલો-૬૫૦નું જ પ્રિસ્ક્રિપ્શન આપે છે. સમયની સાથે આ ધારણા સાચી પણ પડી.

ધ સીઈઓ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં, માઈક્રો લેબ્સના મેનેજિંગ ડિરેકટર દિલીપ સુરાનાએ કબૂલાત કરી હતી કે કંપનીએ સામાન્ય તાવ અને હાઈ ફિવર વચ્ચેના ભેદને ઓળખી કાઢ્યો છે.

એવા દ્યણા કિસ્સાઓ છે જેમાં તાવનું કારણ જાણી ન શકાય ત્યારે ડોલો-૬૫૦નું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ડોલો-૬૫૦ ના પ્રિસ્ક્રિપ્શન્સમાં કવોન્ટમ ઉછાળા માટે ડોકટરો દ્વારા તેની અસર અંગે પ્રશંસા કરવામાં આવી હતી. ડોલોના સતત વધતા ઉપયોગને કારણે હવે તેના પ્રોડકશનમાં પણ ૨૫ ગણો વધારો કરવામાં આવ્યો છે.

પેરાસિટામોલ શ્રેણી હેઠળ લોન્ચ થનારી ક્રોસિન પ્રથમ બ્રાન્ડ હતી.

૧૯૯૦ ના દાયકાના અંતમાં તેની લોકપ્રિય એનાલજેસિક બ્રાન્ડ ક્રોસિનને સ્મિથકલાઇન બીચમ ફાર્માસ્યુટિકલ્સને વેચી હતી, જે પાછળથી ગ્લેકસો વેલકમ સાથે મર્જ કરવામાં આવી હતી, જે આજે GSK (ગ્લેકસોસ્મિથકલાઇન) તરીકે ઓળખાય છે.

Glaxં પાસે પહેલેથી જ Calpol હતી, જો કે તે Crocinની સરખામણીમાં નબળી બ્રાન્ડ હતી. જયારે ક્રોસિનને ઓટીસી બ્રાન્ડ બનાવવામાં આવી હતી અને કેલ્પોલ પ્રિસ્ક્રિપ્શન બ્રાન્ડ રહી હતી.

જયારે દવા ઓટીસી બની જાય છે, ત્યારે ડોકટરો તેને પ્રિસ્ક્રાઈબ કરે તેની શકયતા ઓછી હોય છે.

OTC નો અર્થ છે કે તમારે દવા ખરીદવા માટે ડોકટરની સલાહ લેવાની અથવા પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. ડોકટરોએ ક્રોસિન સૂચવવાનું ટાળવાનું શરૂ કર્યું અને તેનું સ્થાન ડોલોએ લીધુ છે.

એકવાર ડોકટર કોઈ ચોક્કસ બ્રાંડનું પ્રિસ્ક્રાઇબ કરે તો લોકો તે જ ખરીદવાનું શરૂ કરે છે. જો કે, જો ડોલો પર દ્યણા બધા મીમ્સ તમને માથાનો દુઃખાવો આપી રહ્યા હોય, તો તમે જાણો છો કે આગળ શું કરવું જોઈએ.

(3:14 pm IST)