Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ચીનમાં કોરોનાના મોત અંગે ભયાનક ખુલાસો: ૧૭ લાખ લોકોએ ગુમાવ્યા જીવ: વાસ્તવિક મૃત્યુ દર સ્તબ્ધ કરી દયે તેવા

ચીનના શાસને તેની છબીને સુરક્ષિત રાખવા માટે ઓછા મૃત્યુનો ડેટા બહાર પાડ્યો :મંગોલિયા, બહેરીન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિત ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો, જેના માટે તેમને તરત જ મોટું નુકસાન સહન કરવું પડ્યું.

બેઈજિંગઃ ચીનમાં કોરોનાથી થયેલા મોતને લઈને એક ભયાનક ખુલાસો થયો છે.  હકીકતમાં, કોરોના વાયરસના સંક્રમણ અને તેના કારણે થયેલા મૃત્યુને લઈને ચીનના આંકડા શરૂઆતથી જ શંકાના દાયરામાં છે.વર્તમાન આંકડાઓ અનુસાર, ચીનની ગણતરી વિશ્વમાં સૌથી ઓછા કોરોનાના મૃત્યુવાળા દેશોમાં થાય છે. પરંતુ હવે એક વિશ્લેષકે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક જાહેર કરાયેલા આંકડા કરતા ૧૭૦૦૦ ટકા વધારે હોઈ શકે છે. એવી આશંકા છે કે વિશ્વમાં સૌથી કડક લોકડાઉન હોવા છતાં, ચીનમાં વાસ્તવિક મૃત્યુઆંક લગભગ ૧૭ લાખનો હોઈ શકે છે, જે ચીની સત્તાવાળાઓ દ્વારા નોંધાયેલા ૪૬૩૬ના  મૃત્યુ આંકથી તદ્દન વિપરીત છે.

ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોઈને લોકોના મનમાં ચીનની વેક્સીનની અસર પર પણ શંકા જાગવા લાગી છે.  માત્ર ચીનમાં જ નહીં, પરંતુ દરેક દેશમાં જ્યાં આ રસી લાગુ કરવામાં આવી છે ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.  મંગોલિયા, બહેરીન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિત ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો, જેના માટે તેમને તરત જ મોટું નુકસાન સહન કરવું પડ્યું.
 સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ક્વોન્ટિટેટિવ ફાઇનાન્સ પ્રોગ્રામના ડિરેક્ટર જ્યોર્જ કેલહૌને આરોપ લગાવ્યો છે કે ચીનના શાસને તેની છબીને સુરક્ષિત રાખવા માટે ઓછા મૃત્યુનો ડેટા બહાર પાડ્યો છે.  ધ ઈકોનોમિસ્ટના મોડલનો અભ્યાસ કરનાર એક નિષ્ણાતે ધ એપોક ટાઈમ્સને દાવો કર્યો હતો કે ચીનના સત્તાવાર આંકડા 'આંકડાકીય રીતે અશક્ય' છે.  એપ્રિલ ૨૦૨૦ પછી, જ્યારે મોટાભાગના મૃત્યુ વુહાનમાં થયા હતા, જ્યારે બેઇજિંગમાં સત્તાવાળાઓએ સત્તાવાર રીતે ફક્ત બે મૃત્યુ નોંધ્યા હતા.

કેલ્હૌને કહ્યું કે તે અશક્ય છે.  તે તબીબી રીતે પણ અશક્ય છે અને આંકડાકીય રીતે પણ અશક્ય છે.  તેમણે કહ્યું કે યાદ રાખો કે ૨૦૨૦ માં ન તો કોઈ રસી હતી કે ન તો કોઈ ઈલાજ.  તેનો અર્થ એ છે કે તમારી પાસે એક અસુરક્ષિત વસતી હતી જેણે શૂન્ય કોવિડ મૃત્યુની નોંધ કરી હતી, વાસ્તવમાં ત્યારે  હજારો કેસ સામે આવી રહ્યા હતા.  જોન્સ હોપકિન્સ કોરોના વાયરસ રિસોર્સ સેન્ટરના ડેટા અનુસાર, તે સમયગાળા દરમિયાન મેઇનલેન્ડ ચીનમાં કોવિડના ૨૨૦૦૦ થી વધુ કેસ નોંધાયા હતા.

(1:06 am IST)