Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજ્યસભામાં નવા વિપક્ષી નેતા બન્યા કોંગ્રેસના દિગગજ નેતા મલ્લિકાર્જુન ખડગે : સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દક્ષિણના એક ધરખમ ગજાના ગણાતા કોંગી આગેવાન મલ્લિકાર્જુન ખડગે વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા ત્યારબાદ ગયા વર્ષે તેમને રાજ્યસભામાં સભ્ય તરીકે લાવવામાં આવ્યા.  ખડગે ગત લોકસભામાં કોંગ્રેસ સંસદીય પાર્ટીના નેતા હતા.  હવે તે રાજ્યસભામાં વિપક્ષી નેતા રહેશે. આ માટે રાજ્ય સભાના કાર્યાલયએ સત્તાવાર જાહેરનામું મોડી રાત્રે બહાર પાડ્યું છે.

મલ્લિકાર્જુન ખડગેનો જન્મ 21 જુલાઈ 1942 ના રોજ બિદર જિલ્લામાં થયો હતો.  તેમણે ગુલબર્ગમાં અભ્યાસ કર્યો.  તેણે કાયદાની ડીગ્રી મેળવી.  તેમણે વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કર્યો.

 ખડગે 1969 માં કોંગ્રેસમાં જોડાયા.  તેઓ પ્રથમ ગુલબર્ગમાં કોંગ્રેસ શહેર પ્રમુખ બન્યા.  આ પછી, 1972 માં તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા.  ત્યારબાદ 2008 સુધી તેઓ 9 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રહ્યા.  આ પછી, તેઓ 2009 અને 2014 માં સતત બે વખત સાંસદ બન્યા.  ખડગે તેમની રાજકીય કારકીર્દિમાં 9 વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહ્યા હતા.

(11:59 pm IST)