Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

કોરોનામુકત દેશ એપ્રિલથી ફરી ધમધમતો થશે

મોદી સરકાર દ્વારા ભારે તૈયારીના નિર્દેશ આપતું ન્યુઝફર્સ્ટઃ કોર્ટો-ટ્રેનો-આંતરરાષ્ટ્રિય ઉડયનો પૂર્વવત થઇ જશેઃ પાંચ રાજયોમાં ચૂંટણી યોજાશેઃ સીબીએસઇની ફીઝીકલ પરીક્ષા લેવાશે

નવી દિલ્હી તા.૧૭ : કોરોના સંક્રમણના બીજા ''વેવ''ની ભીતિ વચ્ચે મોદી સરકાર એપ્રિલ મહિનાથી દેશને ફરી ખૂલ્લો મૂકી દેવાની તૈયારી કરી રહી હોવાનું  ''ન્યુઝફર્સ્ટ'' આધારભૂત વર્તુળોને ટાંકીને અહેવાલમાં સંભાવના દર્શાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ-એપ્રિલની મધ્યમાં દેશભરમાં અદાલતો ખૂલ્લી મૂકી દેવામાં આવે તેવી શકયતા છે.

એપ્રિલમાં દેશભરમાં ટ્રેનો પૂર્વવત દોડતી કરી દેવાનું આયોજન થઇ રહ્યાનું પણ ન્યુઝફર્સ્ટ નોંધ છે.

તો ૧પ એપ્રિલથી વિદેશો માટે આંતરરાષ્ટ્રિય (ઓવરસીઝ ફલાઇટો) વિમાની ઉડ્ડયનો પણ શરૂ થઇ જવા જઇ રહેલ છે.

સાથોસાથ પશ્ચિમ બંગાળ, પુડુચેરી, કેરળ, તામિલનાડુ સહિત પાંચ રાજયોમાં એપ્રિલ મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ અચૂક આવી જ રહી છે અને ત્યારે ચુંટણી પ્રચારમાં આ પાંચેય રાજયો લગભગ ખૂલ્લા થઇ જશે.

અને મે મહિનામાં સીબીએસઇ બોર્ડ પરીક્ષાઓ પણ લેવાશે.

આ સંજોગોમાં એપ્રિલ-મે-ર૦ર૧ થી લગભગ દેશ પુનઃ ધમધમતો થઇ જશે તેમ મનાય છે.  કેન્દ્ર સરકાર આ દિશામાં ગંભીરતાથી પ્લાનીંગ કરી રહ્યાનંુ જાણવા મળે છે.

હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કોરોના લગભગ કોરાણે મૂકાઇ ગયો છે. અને ભૂલાઇ ગયો છે. સભા-રેલીઓમાં-રેસ્ટોરન્ટમાં લોકો કોઇપણ ભય વિના ફરી રહ્યા છે, એકત્ર થઇ રહ્યા છે. એ વાત અલગ છે કે મુખ્યમંત્રીશ્રી સહિત અનેક મહાનુભાવો કોરોનામાં સપડાતા જાય છે. છાના ખૂણે કોરોના ફરી મોઢુ ફાડવા લાગ્યો છે.

ઇંગ્લેન્ડના નવા કોરોના સ્ટ્રેન પછી બ્રાઝીલ અને આફ્રિકાના ભાયાવહ કોરોના સ્ટ્રેને ભારતમાં પણ કોરોના દર્દીઓમાં દેખા દેતા ચિંતા સર્જાણી છે.

દરમિયાન મહારાષ્ટ્ર અને કેરળ આ બે રાજયોમાં રોજના કોરોના કેસોમાં ૭પ ટકા કોરોના દર્દીઓ સતત આવી રહ્યા છે તેનાથી ભારે ચિંતા જન્મી છે. અને દિલ્હી એઇમ્સના ડીરેકટર શ્રી રણદીપ ગુલેરીયાએ તો આ બે રાજયોમાં નવો વાયરસ પ્રસર્યો હોવાની શંકા પણ દર્શાવી છે ત્યારે આવનારા દિવસોજ કહેશે કે એપ્રિલ-મેમાં દેશ ફરી ધમધમતો થઇ જશે કે કેમ ?

(2:50 pm IST)