Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ખાદ્યવસ્તુમાં ઉંઘની ગોળી નાંખીને શબનમ અને સલીમે એક જ પરિવારના ૭ ને મોતને ઘાટ ઉતાર્યા'તા

ઉતરપ્રદેશનાં અમરોહા જીલ્લાની હૈયુ હચમચાવી દે તે ઘટનાની કથની

રાજકોટ, તા., ૧૭: ભારતને આઝાદી મળ્યા પછી પ્રથમ વખત ઉતરપ્રદેશના અમરોહામાં રહેતી એક મહિલાને ફાંસી આપવામાં આવશે.

ઉતરપ્રદેશના અમરોહા જીલ્લાના બાવનખેડી ગામમાં રહેતી શબનમ નામની યુવતીએ તા.૧-૪-૨૦૦૮ના રાત્રીના તેના પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને માસુમ ભત્રીજા સહીત પરીવારના ૭ લોકોની કુહાડીના ઘા ઝીંકીને ગળા કાપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

શબનમના પરીવારમાં શિક્ષક શૌકત અલી તેના પત્ની હાશમી, પુત્ર અનીશ, રાશીદ, પુત્રવધુ અંજુમ, પુત્રી શબનમ અને દશ મહિનાનો પૌત્ર અર્શ રહેતા હતા.

પરિવારની એકની એક પુત્રી હોવાથી શબનમને પિતા શૌકત અલીએ લાડ-પ્યારથી તેને ઉછેરી હતી. એમએ પાસ કરીને તે શિક્ષા મિત્ર તરીકે કાર્યરત થઇ હતી.

આ દરમિયાન શબનમને ગામમાં જ રહેતા ૮ ધોરણ પાસ સલીમ નામના યુવક સાથે પ્રેમસબંધ બંધાયો અને બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ બંને અલગ-અલગ જ્ઞાતિ-સમાજમાંથી આવતા હોવાથી શબનમના પરીવારને આ પ્રેમસબંધ લગ્ન મંજુર ન હતા.

ત્યાર બાદ બંનેએ મળીને શબનમના પરીવારને ખાદ્યવસ્તુમાં ઉંઘની ગોળી મેળવીને બેભાન કરી દીધા બાદ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

(3:51 pm IST)