Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (કેસીએફ) નું વૈશ્વિક ષડયંત્ર : દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા આગેવાનોની હત્યા કરી હિંસા ફેલાવવાનો હેતુ : દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળાય તેવી મેલી મુરાદ : કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ આર એન્ડ એ ડબ્લ્યુ તથા ગુપ્તચર બ્યુરો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

ન્યુદિલ્હી : આતંકવાદી સંગઠન ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (કેસીએફ) એ વૈશ્વિક ષડયંત્ર રચ્યું હોવાનું જાણવા મળે છે.જે મુજબ  દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા આગેવાનોની હત્યા કરી હિંસા ફેલાવવાનો તેમજ હત્યા માટે દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળાય તેવી મેલી મુરાદ હોવાનું જાણવા મળે છે.

 ઇનપુટ્સના આધારે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ કાવતરાખોરો બેલ્જિયમ અને યુનાઇટેડ કિંગડમના છે, જેમણે  દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાને ખતમ કરવાની યોજના તૈયાર કરી છે.

ઉલ્લેખનીય છે કે કેસીએફ એક આતંકવાદી સંગઠન છે જે ભારતમાં વિવિધ હત્યાઓમાં સામેલ છે. જેમાં  કેનેડા, યુનાઇટેડ કિંગડમ, બેલ્જિયમ અને પાકિસ્તાન જેવા વિવિધ દેશોના સભ્યો છે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂત નેતાને ખતમ કરવાની યોજના છે, જે અંગે વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયો છે. તેઓને જાણવા મળ્યું છે કે ત્રણ કેસીએફ આતંકવાદીઓ જે બેલ્જિયમ અને યુકેના છે તેઓએ હાલમાં દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યા કરવાની યોજના બનાવી છે.

એજન્સીઓને મળેલી માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેસીએફના મત મુજબ 'આ સ્થળે નેતાની હત્યા કરવાથી ભારતમાં હિંસા વધી શકે છે અને ખૂની હુમલા માટે દોષનો ટોપલો સ્વાભાવિક રીતે  સરકારી એજન્સીઓ અથવા રાજકીય પક્ષના કાર્યકરો પર ઢોળાશે.

ખાલિસ્તાની અલગાવવાદી જૂથો, ખેડૂતોના સરકાર સામેના વિરોધ દ્વારા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ, જ્યારે લાલ કિલ્લાની આસપાસ ખેડૂત એકઠા થયા હતા. ત્યારે  ખાલિસ્તાની અલગાવવાદી જૂથોના સભ્યોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેઓએ  દાવો કર્યો હતો કે તેઓ નવી દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે એકઠા થયા છે. ટોળામાં રહેલા ઘણા લોકોએ કહેવાતા 'ખાલિસ્તાન' ધ્વજ રાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.તેવું ટાઈમ્સ નાઉ દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)