Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ચલણી નોટોનું છાપકામ ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવાયું

કોરોનાના વધતા ખતરાને લીધે નિર્ણય લેવાયો : નાસિકની કરન્સી પ્રેસ, ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસમાં કામ બંધ : મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન અભિયાન અંતર્ગત પગલું

નવી દિલ્હી, તા. ૧૬ : કોરોના મહામારીના વધતા ખતરાને જોઇ મહારાષ્ટ્રના નાસિકમાં ચલણી નોટનું છાપકામ રોકવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન અભિયાન અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. અહીં નોટોનું છાપકામ ૩૦ એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યું છે.

નાસિકની કરન્સી સિક્યુરિટી પ્રેસ અને ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસમાં ૩૦ એપ્રિલ સુધી કામ અટકી ગયું છે. આ બંને પ્રેસમાં આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ કાર્ય કરશે, જેમ કે, ફાયર બ્રિગેડ, પાણી પુરવઠા અને તબીબી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પોતપોતાની શિફ્ટમાં કામ કરશે.

આ સમય દરમિયાન નોટના છાપકામ સાથે સંકળાયેલા લોકો આવશે નહીં, તેથી નોટોનું છાપકામ સંપૂર્ણપણે બંધ રહેશે. તમને જણાવી દઇએ કે ભારતમાં લગભગ ૪૦ ટકા ફરતી નોટો નાસિકના કરન્સી નોટ પ્રેસમાં (સીએનપી) છાપવામાં આવે છે. આ બંને કંપનીમાં લગભગ ૩,૦૦૦ કર્મચારી કામ કરે છે. આ કર્મચારીઓ અને તેમના પરિવારોના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગત વર્ષે પણ કોરોના મહામારીને કારણે કરન્સી પ્રેસ નોટ થોડા દિવસો માટે બંધ હતું. ગત વર્ષે પણ નાસિકનું પ્રેસ થોડા દિવસ બંધ રાખવું પડ્યું હતું. કારણ કે ૪૦ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. કરન્સી નોટ પ્રેસ, નાસિકમાં ઉચ્ચ ગુણવત્તાની નોટ્સ છાપવામાં આવે છે.

ગત વર્ષે સરકારે નોટોનું છાપવાનું બંધ કર્યું ત્યારે લોકોને રોકડને બદલે ડિજિટલ ટ્રાંઝેક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. ખરેખર, નોટોથી વાયરસ ફેલાવાનું જોખમ પણ વધારે છે, કારણ કે કેટલાક લોકો નોટ્સની ગણતરી કરતી વખતે થૂંકનો ઉપયોગ કરે છે, જે ખૂબ જોખમી છે. તેથી, સોદામાં નોટ્સની જગ્યાએ ડિજિટલ મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે.

(12:00 am IST)