Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મહારાષ્ટ્રમાંથી પખવાડીયામાં ૩ાા લાખ લોકો વતન પરત ફર્યા

આવતા પખવાડીયામાં ૪ થી ૫ લાખ વધુ લોકો ઉત્તર - પૂર્વ રાજયોમાં પાછા ફરશે : મુંબઈ - પુણે સહિત અનેક શહેરોમાંથી મોટાપાયે હિજરત ચાલુ

મુંબઈ, તા. ૧૭ : મહારાષ્ટ્રમાં વીક એન્ડ લોકડાઉન અને રાત્રે ૮ થી સવારે ૭ કર્ફયુના અમલ વચ્ચે ૧૫ દિવસમાં ૩.૫ લાખ લોકો હિજરત કરી પોતાના ગામડે પરત ફરી ગયાનું સેન્ટ્રલ રેલ્વેના સૂત્રો જણાવે છે.

મુંબઈ, પુણે, નાસીક, સતારા, સોલાપુર સહિતના શહેરોમાંથી લોકો ભાગી રહ્યા છે. ઉત્તર - પૂર્વ ભારત તરફની તમામ ટ્રેનો ફુલ જાય છે.

આવતા એક પખવાડીયામાં ૪ થી ૫ લાખ લોકો મહારાષ્ટ્ર છોડી ઉત્તર અને પૂર્વી રાજયો તરફ ચાલ્યા જશે તેવું અનુમાન છે.

મહારાષ્ટ્રમાં 'બ્રેક ધ ચેઈન' અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ૧મે સુધી મીની લોકડાઉન લગાવાયુ છે. ઈમર્જન્સી સેવાની દુકાનો સવારે ૭ થી રાત્રે ૮ સુધી જ ચાલુ રહેશે.

મહારાષ્ટ્ર ઉપરાંત અનેક રાજયોમાં સ્થિતિ બેહદ વણસતી જાય છે.

રાજસ્થાનમાં શુક્રવાર સાંજે ૬ થી સોમવાર સવારે ૫ સુધી વીક એન્ડ કર્ફયુ લાદયો છે. પ્રતિબંધો લોકડાઉન જેવા જ છે.

એમ.પી.ના અનેક જિલ્લામાં લોકડાઉન છે. કેટલાય શહેરોમાં લોકડાઉન એક અઠવાડીયાથી ચાલુ છે.

ગુજરાતના ૨૦ શહેરોમાં રાત્રી કર્ફયુ છે ત્યારે છત્તીસગઢના ૨૦ જીલ્લામાં ૨૪ એપ્રિલ સુધી બધુ બંધ છે. ત્યાં લોકડાઉન લાદી દેવાયુ છે.

પાટનગર દિલ્હીમાં શુક્રવારે રાત્રે ૧૦ થી સોમવાર સવારે ૬ સુધી વીક એન્ડ લોકડાઉન લાદેલ છે. આ સમયમાં બહાર નીકળવા કર્ફયુ પાસ લેવા પડશે.

ઉત્તરપ્રદેશમાં દરેક રવિવારે લોકડાઉન લાદી દેવાયુ છે. તમામ માટે માસ્ક ફરજીયાત. માસ્ક નહિં પહેરે તો ૧૦૦૦ દંડ, બીજી વખત માસ્ક વિના પકડાય તો ૧૦ હજાર દંડ છે.

ચંદીગઢમાં પણ શુક્રવાર રાત્રે ૧૦ થી સોમવાર સવારે ૫ સુધી વીક એન્ડ લોકડાઉન રહેશે.

છેલ્લા આંકડા મુજબ પ. બંગાળ સહિત ૫ રાજયો અને અનેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં દોઢ મહિનાથી ચાલુ ચૂંટણી પ્રચાર જાન લેવા સાબિત થયો છે. ૧ થી ૧૪ એપ્રિલના આંકડાઓને ટાંકી રાજસ્થાન પત્રિકા નોંધે છે કે પશ્ચિમ બંગાળમાં ૪૨૦%, આસામમાં ૫૫૨%, તામિલનાડુમાં ૧૫૯%, કેરળમાં ૧૦૩% અને પુડ્ડુચેરીમાં ૧૬૫% કોરોના કેસ વધી ગયા છે. આ રાજયોમાં સરેરાશ કોરોનાથી મૃત્યુઆંક ૪૫% વધી ગયો છે.

(11:36 am IST)