Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

બ્લેક ફંગસના વધતા કેસો માટે સ્ટેરોઇડ મુખ્ય કારણ

એઇમ્સના વડા ડો.રણદીપ ગુલેરિયાના મતે કોરોનાની સાથે બ્લેક ફંગસના કેસોમાં પણ વૃધ્ધિ

નવી દિલ્હી,તા. ૧૭ : કોરોનાથી સાજા થયેલા દરદીઓ માટે અત્યંત ઘાતક બીમારી બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઇકોસિસ ભારે ચિંતાનું કારણ બની છે. આની પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝથી પીડિત કોવિડના દર્દીઓને સારવાર દરમિયાન અપાતું સ્ટેરોઇડ મુખ્ય છે, તેમને 'બ્લેક ફંગસ'ની અસર થવાની શકયતા વધુ રહેલી છે. દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે કેટલીયે હોસ્પિટલો આ દુર્લભ પરતુ ઘાતક ચેપના કેસોમાં વૃદ્ઘિનો રિપોર્ટ કરી રહી છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે મ્યૂકોરમાઇકોસિસ વાયરસ માટી, હવા અને અહીંયા સુધી કે ભોજનમાં જોવા મળે છે, પરતુ એ ઓછા એ વાયરસયુકત હોય છે અને સામાન્ય રીતે ચેપનુ કારણ બનતો નથી. કોવિડ- ૧૯ પહેલાં આ ચેપના ઓછા કેસ હતા.હવે કોરોના વાયરસના કારણે બ્લેક ફંગસના કેસો પણ વધી રહ્યા છે.

બ્લેક ફંગસના કેસો પાછળ એક પ્રમુખ કારણના રુપમાં સ્ટેરોઇડના દુરપયોગ હોવાનું માનવામાં આવે છે, એટલે ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે હોસ્પિટલોએ ચેપના કંટ્રોલ માટેના સારવારના પ્રોટોકોલનું પાલન કરવું પડશે, કારણ કે માધ્યમિક ચેપ -ફંગલ અને બેકટેરિયા- કોરોનાના કેસમાં ઝડપી જોવા મળી રહ્યો છે, જેના કારણે વધુ મોત થઈ રહ્યા છે.

એઈમ્સના ડાયરેકટર ડો.ગુલેરિયાએ કહ્યું કે, આ ચેપ માટે સ્ટેરોયડનો દુરપયોગ એક મુખ્ય કારણ છે. ડાયાબિટીઝ, કોવિડ પોઝિટિવ અને સ્ટેરોઇડ લેનાર દર્દીઓમાં બ્લેક ફંગસના ચેપની શકયતા વધી જાય છે, તેને રોકવા માટે આપણે સ્ટેરોઇડનો દુરપયોગ રોકવો જોઈએ. કોરોનાના સામાન્ય લક્ષણો હોય તેવા કેસોમાં સ્ટેરોઇડનો ઉપયોગ ટાળવો જોઇએ કેમ કે તેનાથી સુગરના દરદીઓમાં ડાયાબિટીઝનું સ્તર અચાનક વધી જાય છે અને ખતરો વધી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે જેમ-જેમ કોવિડ-૧૯ કેસો વધી રહ્યા છે, એ સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે હોસ્પિટલોમાં ચેપ કંટ્રોલ પદ્ઘતિઓના પ્રોટોકોલનું પાલન કરવું રહ્યું. એઈમ્સમાં ફંગસ ઈન્ફેકશનના ૨૩ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એમાથી ૨૦ દર્દી તો કોરોના વાયરસ ચેપના દર્દીઓ છે, બાકીના કોવિડ નેગેટિવ છે. ડો.ગુલેરિયાના કહેવા અનુસાર કેટલાક રાજયોમાં મ્યૂકોરમાઇકોસિસના ૫૦૦થી વધુ કેસો સામે આવ્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, મ્યૂકોરમાઇકોસિસ ચહેરો, નાક, આંખ કે મગજને પ્રભાવિત કરી શકે છે, જેનાથી આંખની દ્રષ્ટિને પણ નુકસાન થઈ શકે છે. આ ફેફસામાં પણ ફેલાઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને બ્લેક ફંગસ પર જાગૃતિ લાવવા માટે એક ટ્વીટ કર્યું હતું. જેમાં કેટલીક બાબતો પર મહત્વની જાણકારી આપી હતી.

ગુજરાત સહિત અનેક રાજ્યોએ આ બીમારીનો સામનો કરવા માટે અનેક ટીમો બનાવી છે અને હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા કરી છે. હાલમાં તેના વધી રહેલા કેસો એક ચિંતાજનક બાબત છે.

(10:19 am IST)