Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ભૂકંપની તીવ્રતા ૪.૫

વાવાઝોડાની દહેશત વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપ

કેન્દ્ર બિન્દુ ઉનાથી ૧ કિ.મી. દુર : રાજકોટ, રાજુલા, જાફરાબાદ, અમરેલી, ગીર સોમનાથ પંથકમાં ધરા ધણધણી

રાજકોટ તા. ૧૭ : એક તરફ વાવાઝોડાની આગાહી વચ્ચે પવનના સૂસવાટા સાથે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ મોડી રાત્રીના રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે વહેલી સવારે ૩.૩૭ વાગ્યે ઉનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ ઉનાથી ૧ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ હતું. આ ભૂકંપની તિવ્રતા ૪.૫ની હતી.

રાજુલા

રાજુલા : અમરેલી જિલ્લાના રાજુલામાં પણ ૩.૩૭ વાગ્યે ભૂકંપનો અનુભવ થયો હતો. અને વહેલી સવારે લોકો સફાળા જાગી ગયા હતા.

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના મોટા સંકટની સામે લડી રહ્યું છે ત્યાં ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ આવેલું છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં તબાહી મચાવી શકે છે ત્યારે લોકો અત્યારે વાવાઝોડાને લઈને ભયનો માહોલ છે ત્યાં ધરતીકંપના આંચકા આવતા લોકોમાં દહેશત છે.

ગુજરાતના અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લઆમાં રાત્રે ધરા ધ્રૂજી હતી. અમરેલી, ગીર સોમનાથની સાથે સાથે દીવ, ઉના, સુત્રાપાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે રાત્રે મોટા ૩ કલાક ૩૫ મિનીટે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૪.૮ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક દક્ષિણ-પૂર્વમાં ભૂગર્ભમાં ૫.૨ કિ.મી.નીચે હતું.

નોંધનીય છે કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી પરંતુ લોકોમાં એક પ્રકારના ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સિવાય હવે તૌકતે વાવાઝોડું પોરબંદર, મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે જેના કારણે આખા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રાજકોટમાં આજે સવારે રિકટર સ્કેલ પર ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૦૩:૩૭:૧૮ વાગ્યે સવારે રાજકોટથી દક્ષિણમાં ૧૦ કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો.

(10:25 am IST)