Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નારદા કૌભાંડ : પશ્ચિમ બંગાળ સરકારના બે કેબિનેટમંત્રીની સીબીઆઈ દ્વારા ધરપકડ : મમતા સીબીઆઈ કચેરીએ પહોંચ્યા

મમતાએ સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો.

કોલકાતા: પશ્વિમ બંગાળમાં ફરીથી મમતા બેનર્જીની સરકાર બની છે. ત્યારે ફરીથી એક નારદા કૌંભાડ ચર્ચામાં આવ્યો છે. સીબીઆઇ ટીમે સોમવારે મમતા બેનર્જીની સરકારમાં કેબિનેટ મંત્રી હિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોભન ચેટર્જીની ધરપકડ કરી લીધી. સીબીઆઇ ટીમે સોમવારે સવારે તેમના ઘર તથા અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને પછી પૂછપરછ માટે ઓફિસ લઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ પાછળ-પાછળ સીબીઆઇ ઓફિસ પહોંચી ગઈ, ત્યાં તેમણે સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો.

આ પહેલા રાજ્યના મંત્રી અને ટીએમસીના મોટા નેતા ફિરહાદ હાકિમે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇએ કારણ જણાવ્યા વગર જ તેમની ધરપકડ કરી લીધી છે. જોકે સીબીઆઇએ ત્યારે કહ્યું હતું કે તેમણે કોઈની ધરપકડ નથી કરી. જોકે પૂછપરછ બાદ સીબીઆઇએ જણાવ્યું કે આ તમામની ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઇની ટીમ સવારે મંત્રી ફિરહાદ હાકિમના ઘરે પહોંચી હતી. ટીમે તેમના ઘરની તલાશી લીધી હતી. ત્યારબાદ તેમને પૂછપરછ કરવા માટે ઓફિસ લઈને ગયા. બીજી તરફ સીબીઆઇએ હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડથી નારદા ગોટાળાની તપાસના સંબંધમાં મંજૂરી પણ માંગી હતી.

સીબીઆઇ તરફથી હિરહાદ હાકિમ, સુબ્રત બેનર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જીની વિરુદ્ધ કેસ ચલાવવા માટે આ મંજૂરી માંગવામાં આવી હતી. ચૂંટણી બાદ રાજ્યપાલ તરફથી સીબીઆઇને તેની મંજૂરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, નારદા ગોટોળો 2016 વિધાનસભા ચૂંટણી સમયનો છે. ચૂંટણી પહેલા નારદા સ્ટિંગ ટેપ જાહેર કરવામાં આવી હતી. આ ટેપમાં ટીએમસીના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા દેખાતા લોકોની કથિત રીતે ફેક કંપનીના લોકો પાસેથી નાણા લેતા દર્શાવાયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ ટેપ વર્ષ 2014ની છે.

(1:33 pm IST)