News of Monday, 17th May 2021
નવી દિલ્હી, તા. ૧૭ : ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીને લઈને એક ભારે મોટો ખુલાસો થયો છે. જાણવા મળ્યા મુજબ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી તેમની હત્યા કરવા માટે ષડયંત્ર રચી રહ્યો હતો. કાશ્મીરમાં રહેતી એક વ્યક્તિ ભગવા કપડા પહેરીને લખનૌમાં કમલેશ તિવારીની હત્યા થઈ હતી તે જ રીતે ગાઝિયાબાદ ખાતે આ હત્યાકાંડને અંજામ આપવાની હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને ઓપરેશન દરમિયાન જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે રહેતા એક શખ્સની દિલ્હીથી ધરપકડ કરી હતી.
ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પ્રમાણે કાશ્મીરમાં રહેતો આરોપી જૉન મોહમ્મદ ડાર ઉર્ફે જહાંગીર સાધુની વેશભૂષામાં સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીની હત્યા કરવાનો હતો. ધરપકડ કરવામાં આવી છે તે આરોપીને પાકિસ્તાન આધારીત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ ટાર્ગેટ કિલિંગનો આદેશ આપ્યો હતો. ધરપકડ કરવામાં આવી છે તે આરોપી પાસેથી પિસ્તોલ, ૨ મેગેઝીન, ૧૫ કારતૂસ, ભગવા રંગનો કુર્તો, કલાવા, પૂજામાં વપરાતું તિલક અને સાધુઓના અન્ય વસ્ત્રો સહિતનો સામાન મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીરથી દિલ્હી આવેલા આ શખ્સની ૨૦૧૬માં સ્ટોન પેલ્ટિંગના આરોપસર અનંતનાગ ખાતેથી ધરપકડ પણ થઈ હતી. આતંકવાદી બુરહાન વાનીના એક્નાઉન્ટર બાદ સેનાના જવાનો પર સ્ટોન પેલ્ટિંગના આરોપમાં પણ તે પકડાયો હતો. પુછપરછમાં તેણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં તેની જૈશના આતંકવાદી આબિદ સાથે મુલાકાત થઈ હતી. આબિદે જ તેને સ્વામી યતિ નરસિંહાનંદની સાધુની વેશભૂષામાં હત્યા કરવાની ટાસ્ક આપી હતી. આબિદે કાશ્મીરમાં જહાંગીરને પિસ્તોલ ચલાવવાની ટ્રેઈનિંગ આપી હતી અને પછી દિલ્હી મોકલ્યો હતો જ્યાં ઉમર નામના શખ્સે તેને હથિયારો આપ્યા હતા. યતિ નરસિંહાનંદે ઈસ્લામિક ધર્મગુરૂ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો હતો. દિલ્હી પોલીસે આ મામલે સ્વામી વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધી હતી.