Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મુંબઇ બોંબ ધડાકાના આરોપીઓ અબૂબકર યુસૂફ ભટાકા-શોએબ બાબા-સૈયદ કુરેશી ઝડપાયા

ગુજરાત ATSને મોટી સફળતાઃ ૧૯૯૩ મુંબઇ બોંબ ધડાકાના વોન્‍ટેડ આરોપીઓ.... : અમદાવાદ પાસે ગૂપચૂપ ઓપરેશનઃ ઘણા સમયથી નામ બદલી રહેતા હતાઃ પાસપોર્ટ-નામ-સરનામું બધું બોગસ

રાજકોટ તા. ૧૭: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અને વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ પાસેથી ઝડપી પાડયા છે.આરોપીઓ બ્‍લાસ્‍ટ કર્યા બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા.

આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્‍યા હતા. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસએ અબૂ બકર, યુસૂફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીને ઝડપી પાડયા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, આ લોકો અમદાવાદમાં રહી રહ્યા છે. નેશનલની એજન્‍સીઓ પણ આમની પર નજર નાંખીને બેઠી હતી.     એજન્‍સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલતા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધું નકલી હતું. આ લોકોની પહેલા ખરાઇ કરવામાં આવી જે બાદ જાણ થઇ કે, આ લોકો ૧૯૯૩ બ્‍લાસ્‍ટના આરોપીઓ જ છે.

અબૂ બરકરનું નામ દાઉદના મુખ્‍ય માણસોમાં લેવાય છે. મુંબઇ બ્‍લાસ્‍ટ પહેલા પણ મિટિંગ દાઉદના મુંબઇના ઘરે અને અબૂ બકરની હાજરીમાં કરવામાં આવી હતી.

૧ર માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇ બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા હતા. વર્ષ ૧૯૯૩, તારીખ ૧ર માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્‍યે જ ભૂંસી શકાય છે. આ દિવસે આર્થિક રાજધાની મુંબઇમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ ૧ર સીરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટને આતંકવાદીઓએ અંજામ આપ્‍યો હતો. આ બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં રપ૦ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો અને ૮૦૦થી વધારે લોકો ગંભીર રીતથી ઇજાગ્રસ્‍ત થયા હતા. 

(3:29 pm IST)