Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

લીંબૂ બાદ હવે ટામેટાનો વારોઃ ૧ કિલોના ૯૦ રૂપિયા થયા

ભાવ વધ્‍યા પણ ખેડૂતોને કોઇ ફાયદો ન થયો : ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છેઃ જેની અસર હવે કિમતો પર પડી રહી છે

નવી દિલ્‍હી, તા.૧૭: વધતા તાપમાનની અસર ફક્‍ત સામાન્‍ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ટામેટાના ભાવમાં લગભગ ૧૦૦ ટકાનો વધારો આવ્‍યો છે અને તેના ભાવ હવે ૮૦થી ૯૦ રૂપિયાની આસપાસ થયા છે. હાલમાં જથ્‍થાબંધ ટામેટાના ભાવ ૪૦થી ૪૫ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. તો વળી છૂટક બજારમાં તેના રેટ ૮૦થી ૯૦ રૂપિયાની વચ્‍ચે છે. જો કે, ભાવમાં વધારો થવાનો ખેડૂતોને કોઈ લાભ મળતો દેખાતો નથી, આ વધેલી કિંમતોના લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.

ઉત્તર ભારતમાં માર્ચથી ભીષણ ગરમી પડવા લાગી હતી. તેની અસર ટામેટાના પાક પર પડી છે. કેટલાય રાજ્‍યોમાં છેલ્લા કેટલાય વર્ષની સરખામણીએ આ વર્ષે ટામેટાનો પાક ૫૦થી ૬૦ ટકા ઓછો થયો છે. તેનાથી દિલ્‍હી અને આજૂબાજૂના વિસ્‍તારમાં અચાનક આવક ઘટવા લાગી. ડિમાન્‍ડના હિસાબે સપ્‍લાઈ ન થવાના કારણે ટામેટાના ભાવમાં ભારે વધારો આવ્‍યો. શાકમાર્કેટના વેપારીઓનું કહેવુ છે કે, ભીષણ ગરમીના કારણે પાક બરાબર થયો નહીં, તેના કારણે ઉત્‍પાદન ઓછુ થયું છે.

નોઈડની બજારના શાકભાજીના વેપારીઓનું કહેવુ છે કે, અઠવાડીયા પહેલા ટામેટાના ભાવ ૩૦થી ૪૦ રૂપિયા -તિ કિલો હતો, પણ છેલ્લા એક અઠવાડીયા બાદ અચાનક ટામેટાના ભાવમાં જથ્‍થાબંધ ૫૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ જ કારણ છે કે, શાકભાજીના વેપારી બજારમાં ૮૦ રૂપિયે કિલો ભાવ પર ટામેટા વેચી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, જો આનાથી ઓછા ભાવે અમે ટામેટા વેચીશું તો અમને નુકસાન જશે. ટ્રાંસપોર્ટેશન મોંઘુ થવાના કારણે અમુક રાજ્‍યમાં ૮૦ રૂપિયાના ભાવે ટામેટા વેચવા પડે છે.

દિલ્‍હી-એનસીઆરની આજૂબાજૂ ટામેટાનો પાક ગરમીના કારણે ખરાબ થયો છે. આમ જોવા જઈએ તો, દિલ્‍હીના શાકમાર્કેટમાં દરરોજ ૧૦૦ ટ્રક આવતા હતા, જો કે, હવે ૨૫થી ૩૦ ટ્રક માંડ માંડ આવે છે. તેથી શાકમાર્કેટના વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. આ બાજૂ ખેડૂતોનું કહેવુ છે કે, આ ભાવ વધ્‍યા તેનો અમને કોઈ ફાયદો થતો નથી. ખેડૂતો સીધા માર્કેટમાં વેચવાની જગ્‍યાએ વેપારીઓને આપી રહ્યા છે. ડીઝલના ભાવ વધવાના કારણે આ બધું મોંઘુ થયું છે. આ જ કારણ છે કે, ખેડૂતો સ્‍થાનિક સ્‍તર પર વેચાણ કરી રહ્યા છે.

(3:47 pm IST)