Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વૈષ્ણોદેવી યાત્રા શરું કરાઈ દરરોજ ૨૦૦૦ લોકોને મંજુરી

કોરોના સંકટના ૫ મહિનાના દરમિયાન બંધ રહ્યુ : વૈષ્ણોદેવી માતાના દરબારમાં દર્શન કરવા માટે તમારો કોરોના ટેસ્ટ નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ હોવું જરુરી છે

જમ્મુ, તા.૧૬ : આજે ૧૬ ઓગસ્ટથી જમ્મુમાં માતા વૈષ્ણો દેવીનો દરબાર ફરીથી ભક્તો માટે ખુલી ગયો. કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ ૫ મહિના બંધ રહ્યાં બાદ વૈષ્ણો દૈવી ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના તમામ ધાર્મિક સંસ્થાન આજથી ફરી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. માતા વૈષ્ણો દેવી તીર્થ યાત્રાને ગત ૧૮ માર્ચથી બંધ કરી દેવાઈ હતી. પહેલા અઠવાડિયામાં ૨ હજાર તીર્થયાત્રીઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. યાત્રામાં જમ્મુ કાશ્મીરના ૧૯૦૦ તથા અન્ય રાજ્યોના ૧૦૦ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ મહિના પછી વૈષ્ણોવ દેવી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. સવારે ૬ વાગ્યાથી યાત્રિ દર્શન માટે જઈ રહ્યા છે. હાલ ભીડ ઘણી ઓછી છે, સ્થાનિક લોકો જ દર્શન માટે જઈ રહ્યા છે. ખાસ કરીને એવા ભક્તો જે દર્શન માટે મહિના- બે મહિનામાં આવતા રહે છે. હાલ સવારે ૮ વાગ્યા સુધી લગભગ ૨૦થી ૨૨ ભક્ત દર્શન માટે જઈ ચુક્યા છે.

               કોરોનાના કારણે આ વખત યાત્રામાં ખાસ પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે. યાત્રા પર જતા યાત્રિઓનું તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. સેનેટાઈઝરથી તેમને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારપછી જ તેમને આગળ જવા દેવાશે. માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે જણાવ્યું છે કે, પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે તો જ યાત્રા માટે આગળ વધવા દેવામાં આવશે. માતા વૈષ્ણૌ દેવી તીર્થ યાત્રા અગાઉ શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવી જરૂરી છે. આ ઉપરાંત તીર્થયાત્રીઓ માટે માસ્ક અને ફેસ કવર પહેરવું અનિવાર્ય છે. તમામ શ્રદ્ધાળુઓનું મેડિકલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. માતા વૈષ્ણોદેવીની યાત્રાને સરળ બનાવવા માટે બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે.

(9:45 pm IST)