Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ફલાઇટમાં ધૂમ્રપાનઃ યુટયુબરને માથે આજીવન કેદની લટકતી તલવાર

બોબી કટારિયાએ આ વર્ષની ૨૦ જાન્‍યુઆરીએ દુબઇથી નવી દિલ્‍હી આવતી સ્‍પાઇસજેટની ફલાઇટમાં સફર કરી હતી

નવી દિલ્‍હી,તા.૧૭: વિમાનમાં સિગારેટ ફૂંકનાર યૂટ્‍યૂબર અને બોડીબિલ્‍ડર બોબી કટારિયા વિરુદ્ધ પોલીસે અત્રેના ઈન્‍દિરા ગાંધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ગંભીર કલમ અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ ગુના માટે ભારતની ન્‍યાયવ્‍યવસ્‍થા અંતર્ગત જન્‍મટીપની સજાની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, બોબીને એક વિમાનની અંદર સિગારેટ ફૂંકતો બતાવતો એક વીડિયો ઈન્‍ટરનેટ પર વાઈરલ થયો છે. ત્‍યારબાદ સ્‍પાઈસજેટ એરલાઈનના અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદ અનુસાર, બોબી કટારિયાએ આ વર્ષની ૨૦ જાન્‍યુઆરીએ દુબઈથી નવી દિલ્‍હી આવતી સ્‍પાઈસજેટની ફલાઈટમાં સફર કરી હતી. ત્‍યારબાદ ૨૪ જાન્‍યુઆરીએ એક વીડિયો સોશ્‍યલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં બોબીને વિમાનની અંદર સિગારેટ ફૂંકતો જોઈ શકાતો હતો. એ કૃત્‍ય દ્વારા બોબીએ વિમાન તથા અંદર પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓનાં જાનને જોખમમાં મૂકી દીધા હતા. સ્‍પાઈસજેટ તરફથી ફરિયાદ કરાયા બાદ પોલીસે મુલ્‍કી ઉડ્ડયન કાયદા-૧૯૮૨ની કલમ 3C હેઠળ ગુનો નોંધ્‍યો છે. હવે બોબી પર લટકતી તલવાર છે. પોલીસ ગમે તે ઘડીએ એની ધરપકડ કરી શકે છે. આ ગુના માટે એને આજીવન કેદની સજા થઈ શકે છે.

મુલ્‍કી ઉડ્ડયન પ્રધાન જયોતિરાદિત્‍ય સિંધિયાએ ગઈ ૧૧ ઓગસ્‍ટે ટ્‍વીટ કરીને સમર્થન આપ્‍યું હતું કે કટારિયાએ સ્‍પાઈસજેટની ફલાઈટમાં ધૂમ્રપાન કર્યાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. કટારિયાને ત્‍યારબાદ ૧૫ દિવસ માટે સ્‍પાઈસજેટની ફલાઈટ પર સફર કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આવી જોખમી હરકત જરાય ચલાવી ન લેવાય.

(10:25 am IST)