Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઓમિક્રોનનો સેંટોરસ આગામી વૈશ્વિક કોરોના વેરિયન્ટ હોઈ શકે

ભારતના અનેક શહેરોમાં કોરોના વધી રહ્યો છે : આ વેરિયન્ટ અત્યાર સુધીમાં વિશ્વના લગભગ ૨૦ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે, તેનું સંક્રમણ ખૂબ જ ઝડપી છે

નવી દિલ્હી, તા.૧૭ : ભારતના અનેક શહેરોમાં કોરોનાના વધતા કેસો વચ્ચે વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, ઓમિક્રોનનો સબ વેરિએન્ટ 'સેંટોરસ' આગામી વૈશ્વિક કોરોના વેરિએન્ટ હોય શકે છે. તેનું કારણ એ છે કે, તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ દેશોમાં ફેલાય ચૂક્યો છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપી છે. પરંતુ રાહતની વાત એ છે કે, મજબૂત ઈમ્યુનિટિના કારણે ભારત સહિત તમામ દેશોમાં તેનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો છે. ઝડપી સંક્રમણ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં વધારો નથી થયો. સેંટોરસ એટલે કે, બીએ. ૨.૭૫ પર વૈજ્ઞાનિક નજર રાખી રહ્યા છે. આ ઓમિક્રોનનો જ નવો સબ વેરિએન્ટ છે જેના કેસ જુલાઈમાં ભારતમાં ઝડપથી વધવા લાગ્યા હતા. ત્યારબાદ એશિયા અને યુરોપ સહિત ૨૦ દેશોમાં તે ફેલાય ચૂક્યો છે. ભારતમાં મે મહિનાથી  લઈને અત્યાર સુધીમાં ૧,૦૦૦ સેમ્પલોની જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી હતી જેમાંથી બે તૃતીયાંશ કેસ બીએ ૨.૭૫ના હતા.

ત્યારબાદ સૌથી વધુ કેસ બીએ-૫ ના હતા જ્યારે બાકીના કેસ ઓમિક્રોનના અન્ય સબ વેરિઅન્ટના હતા. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, બીએ ૨.૭૫ના કેસ  દિલ્હીમાં પણ સર્વાધિક નોંધાયા હતા. પરંતુ હવે તે સ્થિરતા તરફ વધતો નજર આવી રહ્યો છે. બીએ ૨.૭૫માં એક મ્યૂટેશન એ૪૫૨આર છે. જેનાથી બીજી વખત સંક્રમણની આશંકા વધે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, તે આગામી વૈશ્વિક વેરિએન્ટના રૃપમાં ઉભરી રહ્યો છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે, હાઈબ્રિડ ઈમ્યુનિટિના કારણે તેની અસર ઓછી દેખાઈ રહી છે. હાઈબ્રિડ ઈમ્યુનિટિનો અર્થ સંક્રમણથી ઉત્પન્ન ઈમ્યુનિટિની સાથે-સાથે વેક્સિનેશનથી પણ ઈમ્યુનિટિ પ્રાપ્ત કરવાનો છે.

ઓમિક્રોનથી બે સબ વેરિએન્ટ બીએ-૧ તથા બીએ-૨ બન્યા.  બીએ-૧થી આગળ કોઈ સબ વેરિએન્ટ ન બન્યો જ્યારે  બીએ-૨થી ૪ સબ વેરિએન્ટ ઉત્પન્ન થયા. તેમાં  બીએ-૪,  બીએ-૫,  બીએ ૨.૧૨-૧ તથા બીએ ૨.૭૫ બન્યા છે. અલ્ફા, ગામા, બીટાના કોઈ સબ વેરિએન્ટ જાણીતા નથી. જ્યારે ડેલ્ટાનું સબ વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ છે.

(7:25 pm IST)