Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભારત ચાર વર્ષમાં ૩૮ ટેસ્ટ ઓસી. સાથે ૫ ટેસ્ટની શ્રેણી

બીસીસીઆઈએ ૨૦૨૩થી ૨૦૨૭નો કાર્યક્રમ જાહેર કર્યો : વન ડે માં લોકોનો રસ જળવાઈ રહે તે માટે ત્રણ દેશો વચ્ચે વન ડે સિરિઝના આયોજનની પણ વિચારણા

નવી દિલ્હી, તા.૧૭ : ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના ક્રિકેટ પ્રવાસનુ શીડ્યુલ જાહેર કરી દેવાયુ છે.ચાર વર્ષ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ક્રિકેટ કાર્યક્રમ ભરચક છે. ટીમ ઈન્ડિયાના કાર્યક્રમને આઈસીસીએ પણ મંજૂરી આપી દીધી છે. સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ટીમ ઈન્ડિયા આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમશે.

નવા ટુર પ્રોગ્રામમાં રિઝર્વ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે.જેથી ટી-૨૦ મેચોનુ અને ખાસ કરીને આઈપીએલનુ યોગ્ય રીતે આયોજન થઈ શકે. હવે પછી આઈપીએલ ટુર્નામેન્ટ અઢી મહિના સુધી રમાવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૦ વર્ષ બાદ પાંચ ટેસ્ટની સિરિઝ રમાવા જઈ રહી છે. છેલ્લે ૧૯૯૨માં બંને દેશો પાંચ ટેસ્ટની સિરિઝ રમ્યા હતા. એ પછી બંને દેશો મહત્તમ ચાર ટેસ્ટની સિરિઝ જ રમ્યા છે.

ચાર વર્ષમાં  ભારતીય ટીમ ૩૮ ટેસ્ટ રમશે.જેમાં સૌથી વધારે ટેસ્ટ મેચો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે છે. જ્યારે ઈંગ્લેન્ડ આ સમય ગાળા દરમિયાન ૪૨ અને ઓસ્ટ્રેલિયા ૪૧ ટેસ્ટ રમવાનુ છે.

૨૦૨૩ થી ૨૦૨૫ સુધીમાં ભારત ૧૯ ટેસ્ટ રમવાનુ છે. જેમાં ૧૦ ટેસ્ટ ઘર આંગણે અને ૯ ટેસ્ટ વિદેશમાં રમાશે.

ભારતનો બે વર્ષનો કાયક્રમ નીચે મુજબ છે.

- જુલાઈ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ

- ડિસેમ્બર ૨૦૨૩માં સાઉથ આફ્રિકા સામે સા.આફ્રિકામાં બે ટેસ્ટ

- ઈંગ્લન્ડ સામે જાન્યુઆરી ૨૦૨૪માં ઘર આંગણે પાંચ ટેસ્ટ

- બાંગ્લાદેશસામે સપ્ટેમ્બર ૨૦૨૪માં ઘર આંગણે બે ટેસ્ટ

- ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ઓક્ટોબર ૨૦૨૪માં ૩ ટેસ્ટ મેચ

- ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં પાંચ ટેસ્ટની સિરિઝ

ભારતના નવા ટુર પ્રોગ્રામમાં ટી ૨૦ અને વન ડે પર પણ ફોકસ રહેશે. વન ડે માં લોકોનો રસ જળવાઈ રહે તે માટે ત્રણ દેશો વચ્ચે વન ડે સિરિઝનુ આયોજન પણ વિચારણા હેઠળ છે.

(7:29 pm IST)