Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

બ્રિકસ દેશોના NSA વચ્ચે બેઠકઃ અજીત ડોભાલ બેઠકમાં રહેશે હાજરઃ ચીન પણ ભાગ લેશે

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે યોજાશે બ્રિકસ દેશોના NSAની બેઠકઃ બેઠકમાં ચીન સાથે નહી થાય દ્વિપક્ષીય વાર્તા

નવી દિલ્હી, તા.૧૭: બ્રિકસ દેશોના NSA વચ્ચેની બેઠક મળશે. જેમાં ભારતનાં NSA અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહેશે. ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં મોસ્કોની બેઠકમાંથી અજીત ડોભાલ ઉભા થઈ ગયા હતા.

ભારત અને ચીનના વિવાદની વચ્ચે બ્રિસ્ક દેશોના NSAની બેઠક યોજાઈ રહી છે. જો કે આ બેઠકમાં ચીન સાથે દ્વિપક્ષીય વાર્તા નહી થાય. તેવા સ્પષ્ટ સંકેતો ભારતે આપી દીધા છે. કેમ કે સીમા વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચે મહિનામાં ચોથી બેઠક છે. અનેક વાર બેઠક છતાં ભારત- ચીન વચ્ચે કોઈ ઉકેલ આવ્યો નથી. વારંવાર ચીન પોતાની અવળચંડાઈનો પુરાવો આપતું રહ્યું છે.

તાજેતરમાં મોસ્કોમાં SCOની બેઠકમાં પાકિસ્તાને નાપાક હરકત કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના NSA એ એક કાલ્પનિક નકશો રજૂ કર્યો હતો. આ કાલ્પનિક નકશામાં, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને વિવાદિત વિસ્તાર અને સર ક્રિક અને જૂનાગઢને તેનો હિસ્સો ગણાવ્યો છે. ત્યારબાદ ભારતીય NSA અજિત ડોભાલે ગુસ્સે થઈને પોતાની ખુરશી છોડી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે હાલ રશિયાના અધ્યક્ષ સ્થાને આ તમામ બેઠકો યોજાઈ રહી છે.

નોંધનીય છે કે પાકિસ્તાને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એક કાલ્પનિક નકશો બહાર પાડ્યો હતો. આ કાલ્પનિક નકશામાં, તેમણે કેટલાક ભારતીય ક્ષેત્રોને પોતાના વિસ્તારો તરીકે વર્ણવ્યા છે. એ બાદ  રશિયન ફેડરેશનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સેક્રેટરી નિકોલાઈ પત્રુશેવે ભારતને કહેવડાવ્યું હતું કે રશિયાએ પાકિસ્તાને જે કર્યું છે તેનું સમર્થન નથી કરતું અને આશા છે કે શાંદ્યાઈ સહકાર સંગઠનમાં ભારતની ભાગીદારી અંગે પાકિસ્તાનની ઉશ્કેરણીજનક વર્તન તેની કોઈ અસર નહીં થાય, ન તો તે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે પેટ્રશેવના અંગત સંબંધોને અસર કરશે.

(10:05 am IST)