Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ચીનની કોઇપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશું : LAC ખાતે ભારતીય સૈન્ય તૈયાર છે

ચીનની કથતી અને કરણીમાં ફરક છે : રાજનાથસિંહની રાજ્યસભામાં સ્પષ્ટ વાત : દેશનુ માથુ કદી પણ ઝુકવા નહિ દેવાય

નવી દિલ્હી તા. ૧૭ : સંસદના ચોમાસું સત્રનો આજે ચોથો દિવસ છે. LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ  પર રાજનાથ સિંહે રાજય સભામાં નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રીએ આ પહેલા મંગળવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં રક્ષા મંત્રીએ ચીન પર નિશાન સાધ્યું. રાજનાથ સિંહે કહ્યું કે, ચીનની LACમાં ફેરફારની કરવાની મહેચ્છા છે, જોકે જવાનોએ તેની ઈચ્છાને પહેલી જ પરખી લીધી. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતીય સૈનિક દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.રાજયસભામાં રક્ષા મંત્રીએ કહ્યું કે, ૧૫ જૂને કર્નલ સંતોષ બાબૂએ પોતાના ૧૯ બહાદુર સૈનિકોની સાથે ભારતની અખંડતાની રક્ષા કરવાના ઉદ્દેશ્યથી ગલવાન ઘાટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. આપણા વડાપ્રધાન ખુદ સેનાના મનોબળ વધારવા માટે લદાખ ગયા હતા.

ભારત અને ચીન સરહદ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજયસભામાં કહ્યું કે, આપણા સશસ્ત્ર દળોએ સ્પષ્ટ રીતે નિયમોનું પાલન કર્યું છે, જયારે ચીન તેનાથી પાછળ હટ્યું છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીની કાર્યવાહી આપણા વિભિન્ન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે. ચીન દ્વારા સૈનિકોની કાર્યવાહી ૧૯૯૩ અને ૧૯૯૬ની સમજૂતીની વિરૂદ્ઘ હતું. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન અને કડક નિરીક્ષણ કરવું સરહદી વિસ્તારમાં શાંતિનો આધાર છે.

કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે ચીનના મુદ્દે અમે સરકારની સાથે છીએ. દેશની સેનાની સાથે ઊભા છીએ. આપણે સૌ એકજૂથ છીએ. બીજી તરફ, પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ કહ્યું કે દેશના જવાનોની સાથે ઊભા છીએ. હું સ્પષ્ટીકરણ ઈચ્છું છું. રક્ષા મંત્રીના નિવેદનનો એવો અર્થ છે કે સરકાર દેશની સંપ્રભુતાની રક્ષા માટે કંઈ પણ કરશે? સંપ્રભુતાની રક્ષા કરવાનો અર્થ છે યથાસ્થિતિ કાયમ રાખવી. ગલવાન ઘાટી કયારેય વિવાદનું કેન્દ્ર નથી રહ્યું.

(3:28 pm IST)