Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુશાંત આત્મહત્યા કે હત્યાનું રહસ્ય આગામી સપ્તાહે ખુલશે

એકક્સપર્ટ પેનલ ફોરેન્સિક રિપોર્ટ આપશે : એઈમ્સની એક્સપર્ટ પેનલ સાથે ફોરેન્સિક ટીમની તપાસ

મુંબઈ, તા. ૧૭ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શરૂઆતથી તેના ફેન્સ અને કેટલાક લોકો આત્મહત્યા નહીં હત્યા હોવાનું કહી રહ્યા છે. ભારે હોબાળા બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસ મહત્વના પાસાઓ અને મોતનું કારણ જાણવા માટે એઆઈઆઈએમએસની એક્સપર્ટ પેનલ સાથે એક ફોરેન્સિક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક એક્સપર્ટની ટીમ સુશાંતના વિસેરાની પણ તપાસ કરી રહી છે. આ ટીમની મેડિકલ બોર્ડ મીટિંગ અને સીબીઆઈની ટીમ સાથેની મીટિંગને ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. સીબીઆઈની માગ પર એમ્સના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં એક ટીમ નિમવામાં આવી હતી. આ ટીમે મુંબઈમાં સુશાંતના ઘરે જઈને તપાસ કરી હતી સાથે જ સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. આ ફોરેન્સિક ટીમે સુશાંતના ઘરે ત્રણવાર ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો.

            ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમમાં સુશાંતની મોતને આત્મહત્યા ગણાવાઈ હતી અને તેના આધારે મુંબઈ પોલીસે કેસમાં કોઈ ષડયંત્ર હોવાની સંભાવના નકારી હતી. ડૉક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતનો ઓટોપ્સી રિપોર્ટ આવતા અઠવાડિયા સુધીમાં સીબીઆઈને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, મેડિકલ બોર્ડની એક મીટિંગ થશે અને તે બાદ ફોરેન્સિક ટીમ પોતાના સૂચનો સીબીઆઈને જણાવશે. જો કે, તેમણે આ સુશાંતના મેડિકલ રિપોર્ટ વિશે મીડિયાને કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે.

              આ ફોરેન્સિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેના મોત પાછળ કોઈ ષડયંત્ર હતું. સૂત્રોનું માનીએ તો આ મીટિંગ ગુરુવારે જ થશે, જેના માટે સીબીઆઈની ટીમ એક દિવસ પહેલા દિલ્હી પહોંચી ચૂકી છે. સુશાંતના મોત કેસની તપાસ સીબીઆઈ દરેક એંગલથી કરી રહી છે. અત્યાર સુધી સીબીઆઈએ સુશાંત સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી છે જેમાં ઘણા વિરોધાભાસી નિવેદનો મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ફાઈનલ ફોરેન્સિક રિપોર્ટના આધારે સીબીઆઈ પોતાની તપાસ આગળ ધપાવશે. જો આ ફોરેન્સિક રિપોર્ટમાં સુશાંતના મોત પાછળ કોઈ ષડયંત્ર નથી તેવું સામે આવ્યું તો સીબીઆઈ આ કેસમાં પોતાનો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં ફાઈલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શીના બોરા અને સુનંદા પુષ્કરના હાઈપ્રોફાઈલ કેસમાં પણ એઆઈઆએમએસની ફોરેન્સિક ટીમનો રિપોર્ટ મહત્વનો સાબિત થયો હતો. હાલ તો સુશાંત કેસમાં ડ્રગ્સના એંગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તીને ૨૨ સપ્ટેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ છે. હાલ તે ભાયખલા જેલમાં બંધ છે. સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

(8:02 pm IST)