Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોડી સાંજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ સ્વગૃહએ આવતા વિશાળ સંખ્યામાં સગા - સ્નેહીઓ - શુભેચ્છકો પહોંચ્યા

વિજયભાઈને આવકારવા તેમના નિવાસ સ્થાને આવેલ તમામ સાથે વિજયભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરી અને સૌ નો આભાર માન્યો

રાજકોટ : આજે મોડી સાંજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ સ્વગૃહએ આવતા વિશાળ સંખ્યામાં તેમના સગા - સ્નેહીઓ - શુભેચ્છકો તેમને આવકારવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આવેલ તમામ સાથે વિજયભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સૌ નો આભાર માન્યો હતો.

પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન પણ હતા. આ તબક્કે તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, “મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું.ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે.

આગળ તેમણે કહ્યું ભારતીય જનતાપાર્ટી એ જે નિર્ણય કર્યો કે નવા લોકોને તક મળે, નવી ઉર્જા નવા વાતાવરણમાં ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા આગળ વધે એ ઉદ્દેશ સાથે પાર્ટીએ જે નિર્ણય કર્યો હતો એ બધી પ્રક્રિયાઓ એટલે કે મારી સાથે મારા મંત્રીમંડળના બધા લોકો નવા મત્રીઓને કામ સોંપીને એમની શપથવિધિ કરાવીને અમે બધા લોકોએ એમને જવાબદારી સોંપી છે, મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ખુબ આગળ વધશે.

વધુમાં વિજય ભાઈ રૂપાણીએ કહ્યું, ” વડાપ્રધાન મોદીની જે કલ્પના છે, વિકાસની એમણે જે રફતાર કરી છે, એ પ્રક્રિયાઓ હજી પણ વધુ સારી રીતે તેજ ગતિથી ચાલશે.આ તો રીલે રેસ છે, એક પછી એક લોકો દોડીને બીજાને જવાબદારી સોંપતા હોય છે.

અને આ માત્ર ભારતીય જનતાપાર્ટીમાં જ થઇ શકે. કારણકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનારા લોકો એ સત્તા લાલચુ લોકો નથી હોતા. સત્તાને સેવાનું સાધન ગણીને કામ કરીએ છીએ

પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ નવા મુખ્યપ્રધાન અને નવા મંત્રી મંડળના પ્રધાનોને શુભેચ્છા પાઠવી હતી અને રાજ્યમાં ભાજપની નો રિપીટ થીયરીના પ્રયોગને આવકાર્યો હતો.

(12:00 am IST)