Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મુંબઇમાં આરોગ્યકર્મીઓ-નેતાઓએ લીધો રસીનો બુસ્ટર ડોઝ

કેટલાક નેતા અને તેમના સ્ટાફે છેલ્લા અઠવાડિયામાં કોવિડ-૧૯ની રસીનો ત્રીજો ડોઝ લીધો : કેન્દ્ર સરકારએ જણાવ્યું હતુ કે, બુસ્ટર ડોઝ પ્રાથમિકતા નથી અને એટલો અનિવાર્ય પણ નથીઃ હેલ્થકેર કર્મચારીઓએ કો-વિન પર રજિસ્ટ્રેશન કરાવ્યા વગર હોસ્પિટલમાંથી ત્રીજો ડોઝ લીધો

મુંબઈ,તા૧૭: શહેરના સેંકડો હેલ્થકેર કર્મચારીઓ, કેટલાક રાજકાણીઓ અને તેમના સ્ટાફે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-૧૯ના રસીનો ત્રીજો ડોઝ લઈ લીધો છે.

કેટલાક પશ્ચિમી દેશોમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ થઈ ગયું છે અને તે ચર્ચાનો વિષય પણ બન્યો છે. કેન્દ્રએ ગઇ કાલેે જણાવ્યું હતું કે, તે પ્રાથમિકતા નથી, જે સૂચવે છે કે ત્રીજો ડોઝ અનિવાર્ય નથી.

હેલ્થકેર કર્મચારીઓએ કો-વિન પર રજિસ્ટ્રેશન કરાવ્યા વગર અથવા અલગ ફોન નંબરનો ઉપયોગ કરીને અલગ-અલગ હોસ્પિટલોમાંથી ત્રીજો ડોઝ લીધો હતો. તેવું માનવામાં આવે છે કે ઘણા લોકો તેને લેતા પહેલા એન્ટિબોડી લેવલનું સ્ક્રિનિંગ કરાવ્યું હતું. એક વરિષ્ઠ ચિકિત્સકએ જણાવ્યું હતું કે 'લિસ્ટમાં મુખ્યત્વે તેવા ડોકટરોનો સમાવેશ થાય છે જેઓ ફેબ્રુઆરી સુધીમાં તેમના બંને ડોઝ લઈ ચૂકયા હતા અને તપાસમાં તેમના એન્ટિબોડી લેવલમાં દ્યટાડો જોવા મળ્યો હતો'. એક યુવાન રાજકરણી, તેમની પત્ની અને સ્ટાફના સભ્યોએ પણ બૂસ્ટર ડોઝ લીધો હોવાનું જાણવા મળ્યું હતું

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, બૂસ્ટર ડોઝ માટે કોવિશિલ્ડ એ પસંદ રહી છે, આ સિવાય ઉમેર્યું હતું કે કેટલાક કેસમાં હેતુ માટે રસીની શીશીમાંથી અગિયારમો ડોઝ લેવામાં આવ્યો હતો. અન્ય હોસ્પિટલના વડાએ કહ્યું હતું કે ઘણા કિસ્સામાં રસીકરણ અભિયાનના દિવસના અંતમાં વધેલા કેટલાક ડોઝની શીશીઓમાંથી ત્રીજો ડોઝ લેવામાં આવે છે.

હેલ્થકેર કર્મચારીઓએ સહકર્મીઓમાં સંક્રમણને જોયું છે અને તેઓ ઉભરતા વેરિયન્ટ વિશે ચિંતિંત છે' તેમ તેમણે કહ્યું હતું.

અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) ડો. પ્રદીપ વ્યાસે, જો કે તેને ગેરમાર્ગે દોરનારો ઉત્સાહ ગણાવતા કહ્યું હતું કે ત્રીજો ડોઝ કેટલાક કેસમાં મોટા પ્રમાણમાં જીવલેણ પ્રતિક્રિયા તરફ દોરી શકે છે.'લાગણીઓમાં ન વહો અને અમને વૈજ્ઞાનિક સંશોધન કરવા દો', તેમ તેમણે કહ્યું હતું.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે, 'દરેક શીશીમાં વધારાનો ડોઝ આ માટે વપરાયો હોવાની શકયતા છે. જો કોઈ વધારાનો ડોઝનો ઉપયોગ કરે તો તેમને રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. પરંતુ જેઓ લઈ રહ્યા છે તેમને મારો સવાલ એ છે કે તેઓ કેવી રીતે જાણે છે કે તે ઉપયોગી છે'. 

(9:58 am IST)