Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રોડમાં નડતું મારા સસરાનું ઘર પણ મે ઉડાવી દીધું હતું : નીતિન ગડકરી

નીતિન ગડકરીનું મંત્રાલય દરરોજ ૩૭ કિમી રોડ બનાવી રહ્યું છે, જો કેન્દ્રની ભાજપની સરકારમાં સૌથી ચર્ચિત અને સૌથી જબરજસ્ત પરિણામ આપનાર કોઈ વિભાગનું લિસ્ટ બને તો ગડકરીનો વિભાગ મોખરે હોય

નવી દિલ્હી,તા.૧૭: ૨૦૧૪ થી કેન્દ્રમાં સત્ત્।ા પર રહેલી મોદી સરકારની નીતિઓની વિપક્ષ ભલે ટીકા કરે, પણ કેટલાક નેતાઓ એવા છે જેમના માટે તેમના દિલમાં ચોક્કસપણ કડવાશ ઓછી હશે. આ મોટા નામોમાંનું એક નામ એટલે નીતિન ગડકરી. તેઓ ભાજપની કેન્દ્ર સરકારના શ્રેષ્ઠ કામઢા મંત્રીઓમાંથી એક છે. આખરે એવું તો કેમ છે કે ગડકરી તેમના વિરોધીઓમાં પણ લોકપ્રિય છે? જો તમે દિલ્હી-મેરઠ હાઇવે અથવા અન્ય કોઇ ચકચકાતા નેશનલ હાઈવે પર ડ્રાઇવિંગ કરી રહ્યા છો, તો ખાડાખબડાના ઝટકા લાગ્યા વગર સડસડાટ સરકતા વાહન માટે ગડકરીનું નામ તમારા મનમાં લાવે તેનો કઈ શક નથી. એક મિશનની જેમ પોતાનું કામ કરનારા ગડકરી પોતાના સસરાના ઘરે બુલડોઝર ફેરવવની વાત કરીને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચાલો આપણે કેટલાક મુદ્દાઓમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ગડકરી કેમ બધાથી અલગ રીચે ચાલનારા નેતા છે.

રસ્તાના નિર્માણ માટે ખેડૂતો પાસેથી જમીન લેવી પડે છે. તેવામાં ગડકરીએ ખુદ ખેડૂતોને તેમની જમીન ન વેચવાની સલાહ આપી હતી. તેના બદલે તેણે વધુ નફો મેળવવાનો માર્ગ સૂચવ્યો. ગુરુવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે ખેડૂતો સમૃદ્ઘ બને. પરંતુ જયારે આપણે રસ્તો બનાવીએ છીએ બિલ્ડર અને ડેવલપર જમીન ખરીદે છે અને પછી જો દર વધે છે, તો તે તેમનો ફાયદો લે છે.

માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશભરના લોકો ગડકરીના બેબાક અંદાજ અને શૈલીથી પરિચિત છે. તેમનું ભાષણ લખેલું નથી હોતું પરંતુ તેમના પોતાના દિલમાંથી નીકળેલી વાત હોય છે. કદાચ તેથી જ તેઓ ભીડમાં સૌથી છેલ્લા છેડે બેઠેલી વ્યકિતને પણ પોતાનો પ્રશંસક બનાવી લે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો છે. રાજસ્થાન વિધાનસભામાં એક કાર્યક્રમમાં તેમણે રાજકીય પક્ષો સમક્ષ સમસ્યાનું ધ્યાન દોર્યું હતું. એવા સમયે જયારે ભાજપે ગુજરાતમાં અચાનક મુખ્યમંત્રી બદલ્યા, આ ઘટનાને એક અઠવાડિયું પણ થયું નહોતું અને ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજના સમયમાં મુખ્યમંત્રી પણ પોતાની ખુરશી કેટલો સમય રહેશે તે અંગે ટેન્શનમાં હોય છે. જોકે તેમનું આ નિવેદન સીધુ જ ભાજપ સાથે જોડવામાં આવશે તેવું તો ગડકરીએ પણ નહીં વિચાર્યું હોય. તે તો તેમની બોલવાની શૈલી જ છે કે એક પણ શબ્દ ચોર્યા વગર તેઓ પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે બોલી જાય છે. ભાજપના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જયારે તેઓ પાર્ટી અધ્યક્ષ હતા ત્યારે કોઈ એવું નહોતું જે દુ .ખી ન હોય. ગડકરીની સ્પષ્ટવકતા તરીકેની છાપ તેમને અન્ય રાજકારણીઓથી અલગ પાડે છે. 

(10:01 am IST)