Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મહામારીમાં પણ ભભૂકી રહી નફરતની આગઃ લોકડાઉન છતાં ૨૦૨૦માં ડબલ થયા કોમી રમખાણો

નવી દિલ્હી, તા.૧૭: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) અનુસાર, ૨૦૨૦માં કોમી અથવા ધાર્મિક રમખાણના કેસ ૨૦૧૯ની સરખામણીમાં લગભગ બમણા થઇ ગયા હતા. દેશમાં કોરોના મહામારી સંબંધી પ્રતિબંધોના કારણે બહારી ગતિવિધીઓ અત્યંત સીમિત હતી તેમ છતાં રમખાણોમાં આ વૃધ્ધિ જોવા મળી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું કે દેશમાં ૨૦૨૦માં કોમી અને ધાર્મિક રમખાણોના ૮૫૭ કેસો નોંધાયા હતા. રીપોર્ટ અનુસાર આવા કેસોની સંખ્યા ૨૦૧૯માં ૪૩૮ હતી જયારે ૨૦૧૮માં ૫૧૨ હતી.

એનસીઆરબીએ રીપોર્ટમાં કહ્યું કે દેશભરમાં ૨૫ માર્ચ ૨૦૨૦થી ૩૧ મે ૨૦૨૦ સુધી લોકડાઉન હતું અને તે સમયગાળામાં જાહેર સ્થળોએ અવરજવર બહુ સીમિત હતી પણ ગયા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાગરિકતા કાનૂનના વિરોધમાં બહુ પ્રદર્શનો થયા અને દિલ્હીમાં રમખાણો થયા હતા. રીપોર્ટ અનુસાર, ૨૦૨૦માં જાતી સંઘર્ષના ૭૩૬ કેસ નોંધાયા જયારે ૨૦૧૯માં ૪૯૨ અને ૨૦૧૮માં ૬૫૬ કેસ નોંધાયા હતા.

એનસીઆરબીના રીપોર્ટમાં કહેવાયુ છે કે ૨૦૨૦માં દેશભરમાં જાહેર શાંતિ વિરૂધ્ધ ગુનાના કુલ ૭૧૧૦૭ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં આના ૬૩૨૬૨ કેસ નોંધાયા હતા.

(11:43 am IST)