Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

તહેવારોના ર મહિના દરમિયાન ફરી વધી શકે છે કોરોનાના કેસ

ICMR ના વડા ડો. બલરામ ભાર્ગવે આપી ચેતવણી

નવી દિલ્હી, તા.૧૭: આઈસીએમ આરના વડા ડો.બલરામ ભાર્ગવે દેશમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેરળમાં કેસોનો ઘટાડો થયો છે. પરંતુ દેશમાં દૈનિક કેસોમાંથી ૬૮ ટકા કેસો હજુ પણ કેરળના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ સમગ્ર દેશમાંથી કેરળમાં જ ૧.૯૯ લાખથી વધુ સક્રિય કેસો છે. જ્યારે પાંચ રાજ્યો , મિઝોરમ, આંધ્રપ્રદેશ, કર્ણાટક , તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૧૦,૦૦૦ થી વધુ એકિટવ કેસો છે.

ICMR ના વડા ડો. બલરામ ભાર્ગવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, કેરળમાં કોરોના સ્થાનિક સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે. આ સાથે અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં કેસોમાં ઘટાડો થશે. દેશમાં ત્રીજી વેવના જોખમો વચ્ચે તેમણે આગામી તહેવારોની સિઝનમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ડો. ભાર્ગવે કહ્યું કે, તહેવારો નજીક આવી રહ્યાં છે. અને વસ્તી ગીચતામાં અચાનક વધારો વાયરસના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.

નીતિ આયોગના સભ્ય અને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડો. વી.કે.પૌલે પણ તહેવારોની સિઝનમાં કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં આવનારા બે-ત્રણ મહિના મહત્વના છે, આવી સ્થિતિમાં દેશમાં ક્યાંય પણ કોરોના કેસ ન વધે તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપવું પડશે. આ વર્ષના અંત સુધીમાં કોરોના સંક્રમણના ફેલાવાના જોખમનું મૂલ્યાંકન કરતા ડો. વી.કે.પોલે જણાવ્યું હતું કે, અંદાજ મુજબ ઓકટોબર અને નવેમ્બર સૌથી મહત્વના મહિના છે અને તે મહિનાઓમાં ચેપ વધી શકે છે.

ડો. પૌલે એમ પણ કહ્યું કે, આ ઉત્સવ અને ફ્લૂના મહિનાઓ છે. આ બે મહિનામાં આપણે ખૂબ કાળજી રાખવી પડશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યાં પણ ચેપના કેસ થોડો પણ વધી રહ્યો છે, ત્યાં તેને વધારે વધવા દેવો જોઈએ નહીં અને તાત્કાલિક નિયંત્રણ માટે ધ્યાન આપવું પડશે.  તહેવારો. ડો.વી.કે પોલે એમ પણ કહ્યું કે મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાનો વિષય છે.કેરળમાં પણ કેસોમાં ઘટાડો થયો છે. મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાજનક છે, પરંતુ અમને આશા છે કે ઝડપી રસીકરણથી ત્યાંની સ્થિતિ સુધરશે.

(1:13 pm IST)