Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

એસસીઓ સમીટ ૨૦૨૧

સામે બેઠા'તા ઇમરાન : કટ્ટરપંથને લઇને મોદીએ સંભળાવ્યું

નવી દિલ્હી તા. ૧૭ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની વાર્ષિક શિખર બેઠકને વર્ચ્યુઅલ રીતે સંબોધી હતી. એસસીઓ બેઠકને ઓનલાઈન સંબોધતા પીએમ મોદીએ અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ વિસ્તારમાં વધતા કટ્ટરવાદ શાંતિના માર્ગમાં મોટો પડકાર બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ ક્ષેત્રમાં, મુખ્ય પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંકળાયેલા છે અને આ પડકારોનું મુખ્ય કારણ વધતા કટ્ટરવાદ છે.

વધતી કટ્ટરતા શાંતિના માર્ગમાં અડચણ : અફઘાન અંગે કહ્યું... શાંત - સુરક્ષા અને વિશ્વાસનો અભાવ છે

પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે આ ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. પ્રદેશની સમસ્યાઓનું મૂળ કારણ વધતું કટ્ટરવાદ છે. અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓએ કટ્ટરપંથીકરણ દ્વારા ઉદ્બવેલા પડકારને વધુ સ્પષ્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે SCO એ ઉદાર, સહિષ્ણુ અને સમાવેશી સંસ્થાઓ અને ઇસ્લામ સાથે સંકળાયેલી પરંપરાઓ વચ્ચે મજબૂત કડી વિકસાવવા માટે કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કટ્ટરપંથીકરણ સામેની લડાઈ માત્ર પ્રાદેશિક સુરક્ષા અને આત્મવિશ્વાસ માટે જ જરૂરી નથી, પણ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી માટે પણ જરૂરી છે. ભારત મધ્ય એશિયા સાથે જોડાણ વધારવા માટે પ્રતિબદ્ઘ છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે અમે SCOની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. હું SCO ના નવા સભ્ય રાજય તરીકે ઈરાનનું સ્વાગત કરૃં છું. હું ત્રણ નવા સંવાદ ભાગીદારો - સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને કતારનું પણ સ્વાગત કરૃં છું.

(3:56 pm IST)