Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દેશમાં હવે વરસાદની ઘટ ફકત ૪ ટકાઃ ૨૧ રાજયોમાં સરેરાશથી વધારે વરસ્યો

સપ્ટેમ્બરના અંત સુધી સક્રિય રહી શકે છે ચોમાસુ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ ચાલુ રહેવાના સંકેત છે. તેના લીધે દક્ષિણ પશ્ચિમ મોન્સુન લાંબુ ચાલી શકે છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું પશ્ચિમોત્તર રાજયોમાંથી ત્યારે વિદાય લે છે જયારે તે વિસ્તારમાં સતત પાંચ દિવસ સુધી વરસાદ નથી થતો. આઇએમડીના એમડી મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે આગામી ૧૦ દિવસ સુધી ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાયના કોઇ સંકેત નથી દેખાતા. ઉત્તર સહિતના કેટલાય રાજયોમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ચાલુ જ છે.

સપ્ટેમ્બરનાં પહેલા પખવાડીયામાં ચોમાસુ સતત સક્રિય રહેવાના કારણે દેશમાં વરસાદની હવે ૪ ટકા જ ઘટ રહી છે. એક જૂનથી ૩૧ ઓગષ્ટ સુધી વરસાદની આ ઘટ ૯ ટકા હતી. ૨૧ રાજયોમાં સરેરાશથી વધારે વરસાદ થઇ ચૂકયો છે જયારે ૯ રાજયોમાં સરેરાશથી ઓછો વરસાદ પડયો છે પણ સપ્ટેમ્બરના બીજા પખવાડીયામાં આ ઘટ પુરી થઇ શકે છે. દેશમાં સૌથી વધારે વરસાદ તેલંગાણામાં થયો છે. જયાં સરેરાશ ૩૫ ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો આ સીઝનમાં દેશમાં સૌથી ઓછો વરસાદ મણીપુરમાં થયો છે. મણીપુરમાં સરેરાશથી ૬૦ ટકા ઓછો વરસાદ થયો છે.આઇએમડીએ કહ્યું છે કે ઓરિસ્સાના સમુદ્ર કિનારે બનેલ ચક્રવાતથી દેશના ૧૩ રાજયોમાં વરસાદ થઇ શકે છે. હવામાન ખાતા અનુસાર દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રનો ઉત્તર મધ્ય ભાગ અને યુપીમાં આગામી ત્રણ ચાર દિવસ ભારે વરસાદ થઇ શકે છે.

(3:58 pm IST)