Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

યુપીના બાંદામાં એક જ દિવસમાં ૩૫૦ થી વધુ કેસ નોંધાતા ફફડાટ

હવે વાયરલ તાવથી ટેન્શન વધ્યું

લખનૌ,તા.૧૭: ઉત્ત્।ર પ્રદેશના બાંદામાં વાયરલ ફીવરનો પ્રકોપ સતત વધી રહ્યો છે.બાંદામાં સતત હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લા મલેરિયા અધિકારી અને સીએમએસના જણાવ્યાનુંસાર સમગ્ર જિલ્લામાં ગુરુવારે લગભગ ૪ હજાર દર્દી આવ્યા. જેમાં ૫૧ બાળકો છે. અત્યાર સુધીમાં બાંદામાં ૪ હજાર વાયરસ તાવની અડફેટે આવી ચૂકયા છે. અહીં હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગેલી છે.

જિલ્લા મલેરિયા અધિકારી પૂજા અહીર વારે જણાવ્યું કે આ દિવસોમાં વાયરલ ફિવરના દર્દી વધી રહ્યા છે. તમામ સીએચસી તથા પીએચસીમાં કુલ મળીને ૭૦ દર્દી દાખલ થઈ ચૂકયા છે. અત્યાર સુધી જિલ્લામાં ૩૨૦૦ દર્દી વાયરલ તાવની ઝપેટમાં આવી ચૂકયા છે. તેમણે જણાવ્યું કે આજે ૩૬૭ દર્દી આવ્યા છે. જેમાંથી ૪૫ બાળકો છે. જોકે સ્વાસ્થ્ય વિભાગ મુજબ જિલ્લામાં કોઈ પણ મોત વાયરલથી નથી થઈ.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૩-૪ લોકોના મોત થયા છે. ત્યારે પ્રશાસને કહ્યું છે કે તેમના મોતનું કારણ તાવ કે ડેન્ગી નથી. રાજકીય મેડિકલ કોલેજમાં ડેન્ગીના ૭ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક બાળક સહિત ૩ દર્દી દાખલ છે.

જિલ્લા હોસ્પિટલમાં સીએમએસે જણાવ્યું કે આ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર રોજ ઓપીડીમાં ૧ હજારથી વધારે કેસ આવી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના દર્દી વાયરલ ફીવરના છે. તેમણે જણાવ્યું કે હજું પણ જિલ્લા હોસ્પિટલમાં ૨૨ દર્દી દાખલ છે. જેમાં ૬ બાળકો સામેલ છે. જો કે વાયરલ ફીવરથી હજું સુધી કોઈના પણ મોત નથી થયા.

સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે સ્થિતિ સામાન્ય છે. તમામની સારવાર થઈ રહી છે. જોકે હોસ્પિટલમાં લાગેલી લાંબી લાઈનો અલગ જ તસવીર દર્શાવી રહી છે. દર્દીઓના પરિવારજનોનો આરોપ છે તેમને સારવાર નથી મળી રહી. હાલ ડોકટરો સમયસર નથી પહોંચી રહ્યા.

(3:58 pm IST)