Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિરોધ પ્રદર્શનથી હરિયાણાથી દિલ્હી આવતા રસ્તાઓ બંધ

કૃષિ કાયદા પસાર થયાને વર્ષ પૂરું થવા પર વિરોધ પ્રદર્શન : રાજધાનીની સરહદો સીલ હોવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી, વિવિધ વિસ્તારોમાં ચક્કાજામ જોવા મળી રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૭ : કૃષિ કાયદા પાસ થયે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે આજે (શુક્રવારે) અકાલી દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ કારણે હરિયાણાથી દિલ્હી આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજધાનીની સરહદો સીલ હોવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વિવિધ વિસ્તારોમાં ભીષણ ચક્કાજામ જોવા મળી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ દિલ્હી પોલીસે બહાદુરગઢની ઝાડૌદા બોર્ડર પર બેરિકેડિંગ કર્યું છે. તે સિવાય નિઝામપુર બોર્ડર, સિદ્દીપુર ગામ સહિત અન્ય તમામ બોર્ડર બંધ કરી દેવામાં આવી છે.

અકાલી દળે પંજાબથી જ પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને હરિયાણા થઈને દિલ્હીમાં આવવા પ્રયત્ન કર્યો હતો. અકાલી દળના સમર્થકોએ અનેક જગ્યાએ બેરિકેડિંગ હટાવવા પ્રયત્ન કર્યો હતો. કૃષિ કાયદો પાસ થવાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અકાલી દળે બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી હતી.

અકાલી દળના સુખબીર સિંહ બાદલ અને અન્ય તમામ નેતાઓ પણ હાલ દિલ્હીમાં જ છે. ત્યાં ગુરૂદ્વારા રકાબગંજમાં અકાલી દળની બેઠક થઈ રહી છે જેમાં પ્રદર્શનને લઈ રણનીતિ બની રહી છે. ગુરૂદ્વારાની બહાર પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

(7:29 pm IST)