Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોંઘવારી ઓછી કરનાર કેક ક્યારે કાપશે? : સંજયરાઉત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસે શિવસેનાનો પ્રહાર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમારા મતભેદ હોઈ શકે છે પરંતુ એ વાત સાચી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બીજા હોઈ શકે નહીં

નવી દિલ્હી, તા.૧૭ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો ૭૧મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમને દેશ વિદેશમાંથી શુભકામનાઓ મળી રહી છે. આ દરમિયાન ક્યારેય ભાજપની સાથી રહેલી શિવસેનાએ પણ પીએમ મોદીને શુભકામનાઓ આપી છે પરંતુ નિશાન સાધ્યુ છે. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યુ કે અમે જોઈ રહ્યા છીએ કે પીએમ મોદી દેશમાં મોંઘવારી ઓછી કરનાર કેક ક્યારે કાપશે.  સંજય રાઉતે પીએમ મોદીને શુભકામના સંદેશ આપતા કહ્યુ, નરેન્દ્ર મોદી ઘણા જ લોકપ્રિય નેતા છે. ભાજપને શિખર પર લાવવાનુ કામ અટલજી બાદ નરેન્દ્ર મોદીએ જ કર્યુ છે. તેમના કાર્યાલયમાં ભાજપને બહુમત મળ્યુ છે. અગાઉ ભાજપે માત્ર ગઠબંધનની સરકાર બનાવી હતી.

       આ મોદીજી ની લીડરશિપનો જ કમાલ છે. સંજય રાઉતે કહ્યુ, પીએમ મોદીના કદના નેતા અત્યારે દેશમાં નથી. રાજનીતિમાં ભાજપ સાથે મતભેદને લઈને સંજય રાઉતે કહ્યુ કે પીએમ મોદી સાથે અમારા મતભેદ હોઈ શકે છે પરંતુ એ વાત સાચી છે કે પીએમ મોદી દેશમાં બીજા હોઈ શકે નહીં. પીએમ મોદીના વખાણના પુલ બાંધ્યા બાદ સંજય રાઉતે તેમની પર નિશાન સાધ્યુ. દેશમાં વધતી મોંઘવારીને લઈને સંજય રાઉતે કહ્યુ, મોંઘવારી વધી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાન સ્પર્શી રહ્યા છે. હુ જોઈ રહ્યો છે કે પીએમ મોદી તમામને જન્મદિવસની રિટર્ન ગિફ્ટ આપવાના છે તો સાંજ સુધી અમારૂ ધ્યાન તેમની તરફ રહેશે કે મોદી જી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરનારી કેક કાપે છે કે નહીં.

(7:30 pm IST)