Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભારતીય બજારની માર્કેટ કેપ ૩.૪ લાખ કરોડ ડોલર પાર

ભારતીય શેર બજાર રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે : ફ્રાન્સને પછાડી વિશ્વનું છઠ્ઠું મોટુ માર્કેટ : આગામી સપ્તાહે ભારતીય શેર બજાર ૬૦ હજારી બનવાનું અનુમાન

નવી દિલ્હી, તા.૧૭ : ભારતીય શેર માર્કેટ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. ગુરૂવારે સેન્સેક્સે પહેલી વખત ૫૯ હજારનું લેવલ પાર કર્યું હતું. આ કારણે ભારતીય શેર બજારની માર્કેટ કેપ ૩.૪ લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરને પાર કરી ગઈ છે અને તે ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.

ભારતીય શેર માર્કેટ શુક્રવારે પણ લીલા નિશાનમાં છે અને તે જલ્દી જ ૬૦ હજારનો આંકડો પણ પાર કરી શકે છે. બજારના જાણકારોના કહેવા પ્રમાણે આગામી સપ્તાહે તે ૬૦ હજારી પણ બની જશે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે માર્કેટ કેપના આધાર પર અમેરિકી શેર માર્કેટ નંબર-૧ પર છે.

 વોલ સ્ટ્રીટની ટોટલ માર્કેટ કેપ ૫૧ ટ્રિલિયન ડોલરને પાર છે. બીજા નંબરે ચીનનું શેર બજાર છે જેની માર્કેટ કેપ ૧૨ ટ્રિલિયન ડોલર છે. ત્યાર બાદ ૭ ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા નંબરે, ૬ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ ચોથા નંબરે, ૩.૬૮ ટ્રિલિયન ડોલર સાથે બ્રિટન પાંચમા નંબરે અને ૩.૪૧ ટ્રિલિયન ડોલર સાથે ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. ફ્રાંસ ૩.૪૦ ટ્રિલિયન ડોલર સાથે હવે સાતમા નંબરે ગબડી ગયું છે.

રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતીય શેર બજારની માર્કેટ કેપમાં સૌથી વધારે ૮૭૪ અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તે ૨.૫૨ ટ્રિલિયન ડોલર હતી જે ૩૫ ટકા ઉછળીને ૩.૪૧ ટ્રિલિયન ડોલર પાર કરી ચુકી છે. માર્ચ ૨૦૨૦માં જ્યારે શેર બજાર ક્રેશ કરી ગયું હતું તેની સરખામણીએ ઈન્ડિયન સ્ટોક માર્કેટ કેપમાં ૨.૦૮ ટ્રિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે.

(7:30 pm IST)