Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નીતિશ કુમારે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા :ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર

રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

પટણા: બિહારમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના શપથ લઇને ઇતિહાસ રચ્યો છે. નીતિશ કુમારે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.  ભાજપ તરફથી ભાજપ વિધાયક દળના નેતા તાર કિશોર પ્રસાદ  અને રેણુ દેવીએ પણ મંત્રીપદના શપથ લીધા છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

2005માં ભાજપ અને જેડીયુએ મળીને આરજેડીને સત્તામાંથી હટાવવા માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. આરજેડીના શાસનકાળમાં બિહારની ઓળખ ક્રાઇમ સ્ટેટ તરીકે બની ગઇ હતી. 24 નવેમ્બર 2005માં તેમણે ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ વખતે તેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. 2010માં ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ અને ભાજપ-જેડીયુ ગઠબંધન પર રાજ્યની જનતાએ વિશ્વાસ બતાવ્યો. તે બાદ નીતિશ કુમારે  ત્રીજી વખત 26 નવેમ્બર 2010માં શપથ લીધા હતા.

 

2014ની લોકસભા ચૂંટણીમાં જેડીયુની મોટી હાર બાદ તેની નૈતિક જવાબદારી નીતિશ કુમારે લીધી હતી અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતું. જેડીયુ પોતાની જૂની સહયોગી ભાજપથી અલગ થઇને લોકસભા ચૂંટણીમાં ઉતરી હતી અને તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતું. તે બાદ નીતિશ કુમારે જીતનરામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે, 22 ફેબ્રુઆરી 2015માં ફરી એક વખત નીતિશ કુમારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

નીતિશ કુમારે પોતાના જૂના વિરોધી રહેલા લાલુ પ્રસાદ યાદવ સાથે 2015ની વિધાનસભા ચૂંટણીમાં હાથ મીલાવ્યો હતો. બન્નેએ એક સાથે ચૂંટણી લડી હતી. જેડીયુ અને આરજેડીની ઐતિહાસિક જીત પણ થઇ પરંતુ તે બાદ નીતિશ કુમારે 5મી વખત 20 નવેમ્બર 2015માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે, તેમનો સાથ વધુ દિવસ સુધી ના ચાલ્યો. નીતિશ કુમારે ફરી એક વખત આરજેડીનો સાથ છોડી દીધો અને ભાજપ સાથે આવી ગયા હતા. 27 જુલાઇ 2017માં તેમણે છઠ્ઠી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા

(12:00 am IST)