Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ લાવવાની જરૂર નથી : સિબ્બલના નિવેદનથી કાર્યકરો દુખી : ગેહલોતે કાન આમળ્યો

અનેકવાર પાર્ટીએ તેની નીતિઓ, વિચારધારા અને નેતૃત્વના વિશ્વાસના આધારે જબરદસ્ત પુનરાગમન કર્યું છે

નવી દિલ્હી : દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાના પ્રદર્શનને લઇને આત્મનિરીક્ષણ કરવાને બદલે મતભેદોમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીના નેતા અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના ઇન્ટરવ્યૂ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ નહીં લાવવાની વાત કરી છે.

અશોક ગેહલોતનું કહેવું છે કે કપિલ સિબ્બલના નિવેદનથી કોંગ્રેસના કાર્યકરો દુખી થયા છે. તેઓએ પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ લાવવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે ઘણા ખરાબ સમય જોયા છે. વર્ષ 1969, 1977, 1989 અને ફરીથી 1996માં પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઇ છે, પરંતુ પાર્ટીએ તેની નીતિઓ, વિચારધારા અને નેતૃત્વના વિશ્વાસના આધારે જબરદસ્ત પુનરાગમન કર્યું. દરેક વખતે પાર્ટી ખરાબ સમયમાંથી બહાર આવી છે અને બાદમાં સારુ પ્રદર્શન કર્યું છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં 2004માં યુપીએએ સરકાર બનાવી હતી. આ વખતે પણ પરિસ્થિતિને પહોંચી વળીશું.

તેમણે જણાવ્યું કે ચૂંટણી હારવાના ઘણા કારણો જવાબદાર હોય છે. દરેક વખતે પાર્ટીએ નેતૃત્વ અને પદને લઇને હિંમત દર્શાવી છે અને અમે ખરાબ સમયમાંથી બહાર આવ્યા છે. ખરાબ સમયમાં પાર્ટી મજબૂતી સાથે ઉભી રહી છે અને આ જ ખરાબ સમયમાંથી બહાર આવવાનું કારણ છે. આજે પણ કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જે દેશને એક રાખી સતત વિકાસના માર્ગ પર આગળ વધી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલે આપેલા ઇન્ટરવ્યુમાં પાર્ટીની રાજ્યોમાં થઇ રહેલી હાર વિશે આત્મનિરીક્ષણની વાત કરી હતી. તેમના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના લોકો, માત્ર બિહારમાં જ નહીં, પણ જ્યાં પેટાચૂંટણીઓ યોજાઇ, ત્યાં સ્પષ્ટપણે કોંગ્રેસને અસરકારક વિકલ્પ નથી માનતા. આ એક તારણ છે. બિહારમાં વિકલ્પ આરજેડી હતો. અમે ગુજરાત પેટાચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા. લોકસભાની ચૂંટણીમાં પણ અમે ત્યાં એક પણ બેઠક જીતી શક્યા નહીં. ઉત્તર પ્રદેશની ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને 2 ટકાથી ઓછા મતો મળ્યા. મને આશા છે કે કોંગ્રેસ આત્મનિરીક્ષણ કરશે.

(12:00 am IST)