Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કપિલ સિમ્બલની આત્મનિરીક્ષણની ટિપ્પણીથી કોંગ્રેસમાં ડખ્ખો : ગેહલોતે આલોચના કરી : કાર્તિ ચિદમ્બરમે કહ્યું મંથન કરવું જોઈએ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનથી પાર્ટીમાં ફાંટા

નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે  પાર્ટીના આંતરિક મુદ્દાનો ઉલ્લેખ મીડિયામાં કરવા બદલ પોતાની પાર્ટીના જ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની ટીકા કરી છે. ગેહલોતે કહ્યું છે કે, સિબ્બલે આ પ્રકારે પાર્ટીની આંતરિક બાબતોનો ઉલ્લેખ મીડિયામાં કરવાની કોઈ જરૂરત નહતી. આવું કરવાથી પાર્ટીના કાર્યકર્તાઓની લાગણીઓને ઠેસ પહોંચે છે.

ગેહલોતે  આ મુદ્દે ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું છે કે, કપિલ સિબ્બલ દ્વારા પાર્ટીના આંતરિક મુદ્દાનો ઉલ્લેખ મીડિયામાં કરવાની કોઈ જરૂરત નહતી. કોંગ્રેસે 1969, 1977, 1989 અને બાદમાં 1996માં પણ અનેક સંકટો જોયા છે, પરંતુ પોતાની વિચારધારા, નીતિઓ અને પાર્ટી નેતૃત્વમાં મજબૂત વિશ્વાસને લીધે આપણે દર વખતે વધારે સશક્ત બનીને બહાર આવ્યા છીએ. આપણે દરેક સંકટ બાદ વધારે મજબૂત બન્યાં છીએ અને 2004માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં UPAની સરકાર પણ બની. આ વખતે પણ આપણે સંકટમાંથી ઉગરી જઈશું.

હકીકતમાં સિબ્બલે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વએ દરેક ચૂંટણીમાં પોતાના પરાજયને જ પોતાનું ભવિષ્ય સ્વીકારી લીધુ છે. બિહાર જ નહીં, પેટાચૂંટણીના પરિણામોથી પણ એવું જ લાગી રહ્યું છે કે, દેશના લોકો કોંગ્રેસ પાર્ટીને મજબૂત વિકલ્પ માનવા તૈયાર નથી.

સિબ્બલની આ પ્રતિક્રિયા બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ આવ્યું છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનનો પરાજય થયો છે. આટલું જ નહી, મહાગઠબંધનની સહયોગી કોંગ્રેસ પાર્ટીએ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી માત્ર 19 સીટો પર જ કોંગ્રેસનો વિજય થયો છે.

બીજી તરફ કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંમ્બરમે પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન પર કપિલ સિબ્બલના  સુરમાં સુર પૂરાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ  માટે હવે આત્મનિરિક્ષણ, ચિંતન અને વિચાર-વિમર્શ કરવાનો સમય છે.

આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ સિબ્બલની  પ્રતિક્રિયા લઈને કહ્યું કે, મારે તેમના નિવેદન પર કશું જ નથી કહેવું. તેઓ પાર્ટીના નેતા છે. મેં તેમની ટીપ્પણી વાંચી છે. શું કોંગ્રેસને મંથન કરવું જોઈએ, તે પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ વાત હું પાર્ટીની અંદર કરીશ.

(10:16 am IST)