Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પંજાબમાં ખેડૂત આંદોલન:રેલ્વેએ 3090 માલગાડીઓ અને 1,986 મુસાફર ટ્રેન રદ : 1670 કરોડનું થયું નુકસાન

માત્ર માલગાડીઓ ચાલુ કરવાના પ્રદર્શનકારીઓના પ્રસ્તાવને રેલ્વેએ ફગાવી દીધો

પંજાબમાં 50 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનને કારણે રેલ્વેને 1,670 કરોડનું નુકસાન થયુ છે. આ નુકસાન 1,986 મુસાફર ટ્રેન અને 3,090 માલગાડીઓને રદ કરવાને કારણે થયુ છે. સુત્રોએ જણાવ્યુ કે ટ્રેન સેવા રાજ્યમાં રદ રહેશે. માત્ર માલગાડીઓ ચાલુ કરવાના પ્રદર્શનકારીઓના પ્રસ્તાવને રેલ્વેએ ફગાવી દીધો છે.

    પ્રદર્શનને કારણે રેલ્વેને રોજના માલ ભાડામાં આશરે 36 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે. 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે માલ ભાડામાં ભારે નુકસાન થયુ છે. જરૂરી વસ્તુઓ લઇને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જતી કેટલીક ટ્રેન પંજાબના બહારના વિસ્તારમાં ફસાયેલી છે. કોલસાની 520 રેન્કોની પંજાબના પાંચ વીજ સંપાદનોની સપ્લાય કરવાની હતી, પણ ટ્રેન ફસાયેલી હોવાને કારણે 550 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

અન્ય માલગાડીઓ જે રદ થઇ છે તેમાં સ્ટીલની 110 રેન્ક (આશરે 120 કરોડ), સીમેન્ટની 170 રેન્ક (આશરે 100 કરોડ), રાખની 90 રેન્ક (35 કરોડ), અનાજની 1,150 રેન્ક (નુકસાન 550 કરોડ), ખાદ્યની 270 રેન્ક (નુકસાન 140 કરોડ), પેટ્રોલિયમની 110 રેન્ક (નુકસાન 40 કરોડ). કેટલીક વસ્તુઓ ભરેલા આશરે 600 કંટેનરો લદાયેલી ટ્રેનોને રદ કરવાથી 120 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે

આ સિવાય વધુ 70 માલગાડીઓને રદ કરવામાં આવતા 15 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતોના સંરક્ષણ માટે લાવવામાં આવેલા ત્રણ કાયદાના વિરોધમાં પંજાબમાં કિસાન સંગઠન પ્રદર્શન કરી રહ્યા છે અને રેલ્વેનો ચક્કાજામ કર્યો છે

(12:22 pm IST)