Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મુંદરામાં આંગડિયા પેઢીનો માણસ 65 લાખની રોકડ લઈને ફરાર : પોલીસ ફરિયાદ નોંધાવાઇ

કમિશન પર પેઢીનું સંચાલન કરવા રાખેલ માણસ છ દિવસથી ગાયબ થતા દોડધામ

મુંદરામાં આંગડિયા પેઢીનું સંચાલન કરતો વિશ્વાસુ માણસ માલિક અને ગ્રાહકોના 65 લાખ રૂપિયા લઈને છેલ્લાં છ દિવસથી ફરાર  થઈ જતાં પેઢીના માલિકે તેની વિરુધ્ધ ઠગાઈ-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. મુંદરાની મેઈન બજારમાં સત્યમ્ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આવેલી પી.એમ, આંગડિયા પેઢીના સંચાલકે મુંદરા પોલીસ મથકે તેના માણસ નવઘણસિંહ નાથુભા વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.

 ભુજના માધાપરમાં રહેતાં 42 વર્ષિય રાજેશ ડાહ્યાલાલ ઠક્કર ટ્રાન્સપોર્ટના વ્યવસાયની સાથે 3 વર્ષથી મુંદરામાં પી.એમ.આંગડિયા પેઢીની ફ્રેન્ચાઈઝી ધરાવે છે. પ્રતિ એક લાખ રૂપિયાની રકમ પર 100 રૂપિયાના મળતા કમિશનમાંથી 35 રૂપિયા તેમને મળતાં અને 65 રૂપિયા આંગડિયા પેઢીની હેડ ઑફિસે જમા કરાવતા. 3 વર્ષ અગાઉ તેમણે નવઘણસિંહ વાઘેલા (મૂળ રહે. માલસુંદ, મુજપુર, હારીજ, પાટણ)ને કમિશન પર પેઢીનું સંચાલન કરવા રાખ્યો હતો. નવઘણ અગાઉ મુંદરાની જ ઉમા આંગડિયા પેઢીમાં કામ કરતો હતો અને તે બંધ થઈ જતાં રાજેશભાઈની પેઢીમાં કામે લાગ્યો હતો. નવઘણ રોજેરોજ ભુજ અથવા ગાંધીધામ ઑફિસે આવી તેમને નાણાંની વધઘટનો હિસાબ આપી દેતો. 3 વર્ષમાં નવઘણ તેમનો અત્યંત વિશ્વાસુ માણસ બની ગયો હતો અને પેઢીની તમામ લેવડ-દેવડ તે જ કરતો હતો.

 ગત 12મી નવેમ્બરના રોજ ગ્રાહકોના નાણાં અને માલિકના નાણાં મળી થયેલી 65 લાખની રોકડ રકમનો હિસાબ તે આપવા આવ્યો નહોતો. જેથી રાજેશભાઈએ સવારે નવેક વાગ્યે ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે તે દસ-સાડા દસ સુધીમાં હિસાબ આપવા રૂબરૂ આવી જશે. પરંતુ સાડા દસ પછી પણ તે હિસાબ આપવા આવ્યો નહોતો. રાજેશભાઈએ તેને ફરી ફોન જોડતાં તેનો મોબાઈલ ફોન સ્વિચ્ડ ઑફ્ફ થઈ ગયો હતો. તેમણે મુંદરા તપાસ કરાવતાં આંગડિયા પેઢી અને નવઘણના ઘેર તાળું લટકતું હતું.

રાજેશભાઈએ બનાવ અંગે તુર્ત જ અમદાવાદ ગયેલા તેમના ભાઈ નીતિનને વાત કરી હતી. ત્યારબાદ તેઓ નવઘણની ભાળ મેળવવા તેના ગામ મુજપુર ગયા હતા અને તેના પિતાજીનો પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. નવઘણના ભાઈ મહેન્દ્રસિંહને રૂબરૂ મળી વાત કરતાં મહેન્દ્રસિંહે તેમની પાસે એક દિવસનો સમય માંગી તેનાથી રૂબરૂ મળાવી દેવાની વાત કરી હતી. જેથી તેઓ ત્યાં જ રોકાઈ ગયેલાં. જો કે, બીજા અને ત્રીજા દિવસ સુધી રોકાયા બાદ પણ નવઘણનો કોઈ અતોપત્તો ના મળતાં છેવટે નવઘણ સામે તેમણે 65 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીઆઈ જે.એ. પઢિયારે તપાસ હાથ ધરી છે.

(12:20 am IST)