Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

એનસીઆરમાં વધતા પ્રદુષણને પગલે ગ્રેટર નોઈડામાં તમામ પ્રકારના બાંધકામ પર ચાર દિવસ માટે પ્રતિબંધ

આગામી ચાર દિવસ સુધી રહેણાંક, કોમર્શિયલ, આઈટી, સંસ્થાકીય, બિલ્ડરના પ્રોજેક્ટ, રસ્તાઓનું રી-સરફેસિંગ, નવા રસ્તા બનાવવા વગેરે કામ નહીં થાય

નવી દિલ્હી : એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને પગલે ગ્રેટર નોઈડા ઓથોરિટીએ આગામી ચાર દિવસ માટે તમામ પ્રકારના બાંધકામ, આરએમસી, હોટ મિક્સ પ્લાન્ટ અને ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર નજર રાખવા માટે રચાયેલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના નિર્દેશો પર ઓથોરિટીએ આ પગલું ભર્યું છે.

ઓથોરિટીના CEO નરેન્દ્ર ભૂષણે જણાવ્યું કે આ મામલે ACEO દીપચંદ્રને જવાબદારી સોંપવામાં આવી છે.જે બાદ તેમણે ચર્ચા કર્યા બાદ મંગળવારે ઓફિસ ઓર્ડર જારી કર્યો હતો. જેમાં આગામી ચાર દિવસ સુધી રહેણાંક, કોમર્શિયલ, આઈટી, સંસ્થાકીય, બિલ્ડરના પ્રોજેક્ટ, રસ્તાઓનું રી-સરફેસિંગ, નવા રસ્તા બનાવવા વગેરે કામ નહીં થાય તેમ જણાવાયું છે. આ દરમિયાન બાંધકામ સામગ્રીને ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી છે. જ્યાં પણ ધૂળ ઉડવાની સંભાવના હોય ત્યાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવા જણાવાયું છે. હોટ મિક્સ અને આરએમસી પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવા, હોટલ કે ઢાબામાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશોનો અનાદર કરવા બદલ એનજીટીના નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

(12:00 am IST)