Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

લોકોને ભૂખમરાથી બચાવવા સરકારની ફરજ :કેન્દ્રને સામુદાયિક રસોડા બનાવવા અને રાજ્યો સાથે વાત કરવા સુપ્રિમકોર્ટનું કહેણ

કોર્ટે પ્લાન તૈયાર કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકોને ભૂખમરાથી બચાવવા એ સરકારની ફરજ છે. આ ટિપ્પણી સાથે કોર્ટે કેન્દ્ર સરકારને સામુદાયિક રસોડા બનાવવા અને રાજ્યો સાથે વાત કરવા કહ્યું છે. કોર્ટે પ્લાન તૈયાર કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે આવી યોજના માત્ર રાજ્યોના સહયોગ અને ભાગીદારીથી જ લાગુ કરી શકાય છે.

સામાજિક કાર્યકર્તા અનુન ધવનની અરજીમાં ભૂખમરો અને કુપોષણને કારણે થતા મૃત્યુનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાં આવા મૃત્યુ વિશે માહિતી આપતા, અરજદારે કહ્યું હતું કે સામુદાયિક રસોડા ની સ્થાપના જરૂરી છે. અરજીમાં ઉઠાવવામાં આવેલા મામલાને ગંભીર ગણીને કોર્ટે 27 ઓક્ટોબરે કેન્દ્રને આ મુદ્દે તમામ રાજ્યો સાથે વાત કરીને યોજના તૈયાર કરવા જણાવ્યું હતું

આજે, કેન્દ્ર વતી, એડિશનલ સોલિસિટર જનરલ માધવી દિવાને 3 જજની બેંચને કહ્યું કે રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે. પ્લાન તૈયાર કરતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે. આ અંગે કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દે નિર્ણયને લાંબા સમય સુધી ટાળી શકાય નહીં. કોર્ટે કેન્દ્રને 3 અઠવાડિયામાં આવો પ્લાન તૈયાર કરવા કહ્યું છે જેના પર રાજ્યો પણ સહમત થાય. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કેન્દ્ર સરકાર વતી અન્ડર સેક્રેટરીનું સોગંદનામું દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આવા મહત્વપૂર્ણ મામલામાં કોઈ વરિષ્ઠ અધિકારીએ એફિડેવિટ દાખલ કરવી જોઈએ.

(12:00 am IST)