Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

પ્રતિબંધોથી થાકયા અંગ્રેજો : કોરોના ગયો તેવું માની લીધું : લંડનમાં લોકો બન્યા બેફિકર

નથી પહેરતા માસ્ક કે નથી જાળવતા સોશ્યલ ડિસ્ટન્સ

લંડન તા. ૧૭ : બ્રિટનમાં કોરોનાના રોજના નવા કેસ દર દસ લાખની વસ્તીએ ૬૦૦થી વધારે છે પણ પ્રતિબંધોથી કંટાળી ગયેલા અંગ્રેજોએ માની લીધું છે કે કોરોના ખતમ થઇ ગયો છે. સરકાર પણ દબાણમાં છે. એટલે રસીકરણ ઝડપી બનાવવાની સાથે જાહેર જગ્યાઓ પર માસ્કની જરૂરીયાત ખતમ કરી દેવાઇ છે.

મધ્ય લંડનનું ઓકસફર્ડ સર્કલ દેશનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે. અહીં મોડી રાત્રે એકઠી થતી ભીડમાં લોકો ના તો માસ્ક પહેરી રહ્યા છે, ના સોશ્યલ ડીસ્ટન્સ જાળવે છે. મેટ્રોમાં માસ્ક પહેરવાનો નિયમ છે પણ ૩૦ ટકાથી ઓછા લોકો તેનું પાલન કરે છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવાના નિષ્ણાંતોનું કહેવું છે કે, સંક્રમણ ઘટી રહ્યું છે. હવે નવી કોઇ લહેર નહીં આવે. આના કારણમાં રસીકરણની સાથે સીરો સર્વેના પરિણામો પણ છે જે દર્શાવે છે કે, ૯૪ ટકા વસ્તી સંક્રમણનો સામનો કરી ચૂકી છે.

બ્રિટનમાં રસીકરણ બાબતે ૪૬ ટકા લોકોમાં ખચકાટ હતો. જે હવે ઘટીને ત્રણ ટકા રહી ગયો છે. ૬.૫ કરોડની વસ્તીમાંથી લગભગ સાડા પાંચ કરોડ લોકોને રસીનો એક ડોઝ અને સાડા ચાર કરોડ લોકોને બન્ને ડોઝ લાગી ચૂકયા છે. બાળકોને અને બુઝુર્ગોને બુસ્ટર ડોઝ આપવાનું કામ પણ શરૂ થઇ ગયું છે.

લંડન સહિત બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય જનજીવન મહામારી પહેલાની સ્થિતિમાં પાછું આવી ચૂકયું છે. લોકો કોરોના સાથે જીવતા શીખી ગયા છે. કલબ વગેરેમાં ચહેલ-પહેલ શરૂ થઇ ગઇ છે. ઘરેલુ અવરજવરમાં કોરોનાના પ્રતિબંધો હવે નથી અને જ્યાં છે ત્યાં લોકો માનવા તૈયાર નથી.

(10:28 am IST)