Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભારતમાં દિવસે મહિલાઓની પૂજા થાય છેઃ રાતે થાય છે ગેંગરેપ

જીભ લપસ્યા બાદ અભિનેતા અને કોમેડિયન વીરદાસે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.૧૭: અભિનેતા અને કોમેડિયન વીરદાસ પોતાની કોમેડી કરતા વધારે તો વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી તેણે ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે એક નિવેદન આપ્યું જેને લઈને વિવાદ થયો છે. વીર દાસ હાલ આ વિવાદિત નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના પર દેશનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો છે. ત્યારબાદ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાના બચાવમાં સ્પષ્ટતા કરતી ટ્વીટ કરી છે.

અત્રે જણાવવાનું કે વીર દાસ હાલ અમેરિકામાં છે. હાલમાં જ તેણે પોતાના યુટ્યૂબ ચેનલ પર આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ  ટાઈટલવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો હાલમાં જ જહોન એફ કેનેડી સેન્ટર, વોશિંગ્ટન ડીસીમાં તેના એક લાઈવ પરફોર્મન્સનો ભાગ હતો. આ છ મિનિટના વીડિયોમાં વીર દાસે દેશના લોકોના બેવડા ચરિત્ર પર વાત કરી. જેમાં તેણે કોવિડ-૧૯ મહામારી, દુષ્કર્મની દ્યટનાઓ અને હાસ્ય કલાકારો વિરુદ્ઘ કાર્યવાહીથી લઈને ખેડૂત પ્રદર્શન જેવા મુદ્દાઓને પોતાની કોમેડીનો હિસ્સો બનાવ્યા. પરંતુ આ વીડિયો સામે આવતા જ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. હવે સોશિયલ મીડિયા પર તે ખુબ ટ્રોલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ટ્વિટર પર વીર દાસના આ વીડિયોના એક હિસ્સાને શેર કરીને લોકો તેને ખુબ ફટકાર લગાવી રહ્યા છે. આ વીડિયો કિલપમાં વીર દાસ એવું કહેતો સાંભળવામાં આવી રહ્યો છે કે 'હું એક એવા ભારતથી આવું છું, જયાં દિવસમાં સ્ત્રીની પૂજા થાય છે અને રાતે તેની સાથે દુષ્કર્મ થાય છે. હું એવા ભારતથી આવું છું જયાં તમે AQ1 9000 છો પણ છતાં ધાબે સૂઈને રાતે તારા ગણીએ છીએ. હું એવા  ભારતથી આવું છું જયાં આપણે વેજિટેરિયન હોવામાં ગર્વ મહેસૂસ કરીએ છીએ પરંતુ તે જ ખેડૂતોને કષ્ટ આપીએ છીએ.

વીર દાસને હવે અપમાનિત કરનારા શબ્દોના કારણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેને દેશદ્રોહી  ગણાવી રહ્યા છે. એટલું જ નહીં આ વીડિયો શેર કરીને ભાજપ કાર્યકર પ્રીતિ ગાંધીએ પણ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે. તેમણે લખ્યું છે કે દેશ અંગે આ નિવેદન ખુબ ધૃણાસ્પદ અને બકવાસ છે. આ નિવેદન અંગે બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ આશુતોષ જે દુબેએ કોમેડિયન વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી જેની કોપી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

પોતાના વિરુદ્ઘ એકશન અને લોકોની નારાજગી જોયા બાદ વીર દાસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. તેણે એક પોસ્ટ શેર કરીને લખ્યું કે તેનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહતો પરંતુ તેમનો ઈરાદો એ યાદ અપાવવાનો હતો કે દેશ પોતાના તમામ મુદ્દાઓ બાદ પણ મહાન છે. પોસ્ટમાં તેણે લખ્યું કે એક જ વિષય અંગે બે અલગ વિચાર રાખનારા લોકો અંગે મીડિયામાં વાત થઈ રહી ચે અને આ કોઈ પ્રકારનું કોઈ રહસ્ય નથી કે જેને લોકો જાણતા નથી.

(10:42 am IST)