Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ઓડિશા : બાળ યૌન શોષણ કેસની તપાસ કરવા ગયેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો : પોલીસે બચાવ્યો જીવ

સીબીઆઇની ટીમ ગામમાં એક વ્યકિતના ઘરે તપાસ કરવા ગઇ હતી

નવી દિલ્હી તા. ૧૭ : ઓડિશામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકોએ CBI ટીમ પર હુમલો કર્યો હતો. મામલો ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના એક ગામનો છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈની ટીમ ઓનલાઈન ચાઈલ્ડ યૌન શોષણસામગ્રી સાથે સંબંધિત એક કેસમાં તપાસ માટે ગઈ હતી જયાં ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો. આ પછી ઘટનાસ્થળે હાજર પોલીસે સીબીઆઈની ટીમને ગ્રામજનોથી બચાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની ટીમ ગામમાં એક વ્યકિતના ઘરે તપાસ કરવા ગઈ હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગામલોકો સીબીઆઈ ટીમ પર લાકડીઓ વડે હુમલો કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા સીબીઆઈની ટીમ એક વ્યકિતને હાથ પકડીને લઈ જતી જોવા મળે છે. ત્યારે અચાનક આસપાસના ગામલોકો ટીમ પર હુમલો કરે છે અને તેમને લાકડીઓથી મારવાનું શરૂ કરે છે. આ પછી પોલીસ આગળ આવે છે અને તેનો જીવ બચાવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મિથુન નાઈકની શોધમાં સીબીઆઈની ટીમ જયુબિલી કોલોની પહોંચી હતી. મળતી માહિતી મુજબ આરોપીના પરિવારજનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને પછી હુમલો કર્યો. મળતી માહિતી મુજબ, ગામલોકોએ જણાવ્યું કે સીબીઆઈની ટીમ સ્થાનિક પોલીસની જાણ વગર આવી હતી અને તેણે પોતાની ઓળખ પણ જાહેર કરી ન હતી.

CBIએ મંગળવારે બાળ યૌન શોષણની સામગ્રી (CSEM) સકર્યુલેટ કરવાના મુદ્દે ૧૪ રાજયોમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા CSEM ના પ્રસારણ, સંગ્રહ અને જોવામાં તેમની કથિત સંડોવણી બદલ ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે ૧૪ નવેમ્બરે ૮૩ આરોપીઓ વિરૂદ્ઘ કેસ નોંધવામાં આવ્યો હતો. ૨૩ અલગ-અલગ કેસોના સંદર્ભમાં લગભગ ૭૭ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે.

(10:30 am IST)