Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

પાકિસ્તાનનો નવો પેંતરોઃ સરહદ સળગાવીઃ ભીષણ આગ પહોંચી ભારતીય ચોકી સુધીઃ સુરંગ વિસ્ફોટ

આગને કારણે એલઓસી પર લગાવેલા ઉપકરણો પણ નષ્ટ થાય તેવી સંભાવના

પુંચ, તા., ૧૭: આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવાના ઉદેશથી પાકિસ્તાન દ્વારા લગાવાયેલ આગ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સેનાની અગ્રીમ ચોકીઓ સુધી પહોંચી ગઇ છે. પાક સેનાએ આ આગ પુંચ જીલ્લાના દેગવાર સેકટરના સેરી વિસ્તારમાં લગાવી છે. તેના લીધે નિયંત્રણ રેખા પર ભારતીય વિસ્તારમાં બારૂદી સુરંગોમાં વિસ્ફોટ થઇ રહયા છે. આતંકવાદીઓની ઘુસણખોરી રોકવા માટે આ સુરંગો બીછાવાઇ છે. ભારતીય સેનાના જવાન આગ પર કાબુ મેળવવામાં લાગ્યા છે. આ આગથી નિયંત્રણ રેખાની નિગરાની માટે લગાવાયેલ ઉપકરણો પણ નષ્ટ થવાની ભીતી છે.

આગ એટલી ભયંકર છે કે તેની લપટ કેટલાય કિલોમીટર દુરથી દેખાઇ રહી છે. સુત્રો અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી નેતાઓ બરફવર્ષા પહેલા પાકિસ્તાની સહયોગથી મોટા પાયેે આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાની ફિરાકમાં છે. મંગળવારે મોડી સાંજે પુંચ જીલ્લાના દેગવાર સેકટરમાં નિયંત્રણ રેખાની પેલી તરફ પાકિસ્તાની સૈનિકોએ સુકા ઘાસમાં આગ લગાવી હતી. જે ભારતીય સેનાની અગ્રીમ ચોકીઓ પાસે પહોંચી ગઇ છે. આગના કારણે ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પર ઘુસણખોરી રોકવા બિછાવાયેલ બારૂદી સુરંગોમાં વિસ્ફોટ થઇ રહયા છે.

તો સેનાના જવાન પાકિસ્તાનની મેલી મુરાદને ઓળખીને આગ પર કાબુ મેળવવાની સાથે સરહદ પર પણ નજર રાખી રહયા છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આગ બુઝી ગયા પછી જ તેનાથી થયેલ નુકશાનનો અંદાજ આવી શકે છે. તેમણે ભરોસો વ્યકત કર્યો કે જવાનો સ્થિતિ સામે નીપટી રહયા છે અને કોઇ પણ આતંકવાદીને ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી નહી કરવા દેવાય. આગ ઠરી ગયા પછી ઘુસણખોરી રોકવા લગાવાયેલ ઉપકરણોની તપાસ કરાશે. જો તેને નુકશાન પહોંચ્યું હશે તો તેમને ફરીથી સ્થાપીત કરવામાં આવશ.

(12:20 pm IST)