Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભારત સુરક્ષા તરફઃ પહેલી વખત કોરોના રસીના બંને ડોઝ લીધેલ લોકોની સંખ્યા સિંગલ ડોઝવાળાઓ કરતા વધી

વિશ્વમાં સરેરાશ ૫૨.૨ ટકા લોકોને વેકિસનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો

નવી દિલ્હી, તા.૧૭:કોરોના વેકિસનેશન અભિયાન સરકારની પ્રમુખતાઓમાં સામેલ છે. આ અભિયાનને ગતિ આપવા માટે દરરોજ નવા નવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સામે આવેલા અહેવાલ પ્રમાણે દેશમાં ચાલી રહેલા વેકિસનેશન અભિયાનમાં એવું પહેલી વખત બન્યું છે કે, સંપૂર્ણપણે વેકિસનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝ લગાવી ચુકેલા લોકોની સંખ્યાને પાર કરી ગઈ હોય.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭૫.૫૪ કરોડ લોકો વેકિસનનો એક ડોઝ લગાવી ચુક્યા છે. તેમાંથી ૩૮.૦૭ કરોડ લોકોએ વેકિસનના બંને ડોઝ લઈ લીધેલા છે. જ્યારે ૩૭.૪૭ કરોડ લોકો એવા છે જેમણે હજુ સુધી કોરોનાનો એક જ ડોઝ લીધેલો છે. સ્વાસ્થ્ય વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં ૪૦.૩ ટકા વયસ્કોને વેકિસનના બંને ડોઝ અપાઈ ચુક્યા છે. જ્યારે ૪૦.૨ ટકા લોકોને એક જ ડોઝ અપાયો છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં મંગળવારે ૬૧,૨૧,૬૨૬ લોકોને વેકિસન આપવામાં આવી હતી. તેમાં ૧૮.૪૮ લાખ લોકોને વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે ૪૨.૭૨ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ વયસ્કોને કોરોના વેકિસન આપવાનું લક્ષ્ય રાખ્યું છે માટે રાજ્યોને વેકિસનેશન અભિયાન તેજ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે ડોર ટુ ડોર વેકિસનેશન અભિયાન પણ ચલાવ્યું છે.  Our World in Data વેબસાઈટના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં વિશ્વના સરેરાશ ૫૨.૨ ટકા લોકોને વેકિસનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે જ્યારે ૪૦.૯ ટકા લોકો બંને ડોઝ લઈ ચુક્યા છે.

(12:49 pm IST)