Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ફાઇવ સ્ટાર હોટલમાં બેસીને ટિપ્પણીઓ કરવી સહેલીઃ કોઇ ખેડૂતોની સમસ્યા નથી જાણતુ : સુપ્રીમ કોર્ટ

પ્રદુષણ મુદ્દે સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી : કેન્દ્ર અને રાજય સરકારની ઝાટકણી કાઢી : તાત્કાલિક ઇમરજન્સી પગલા લેવા અને રિપોર્ટ આપવા આદેશ

નવી દિલ્હી, તા.૧૭: રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, દિલ્હી જાણે ગેસ ચેમ્બર બની ગઈ હોય તેમ લોકોનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે અને દિવસેને દિવસે લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે ત્યારે પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે અને તેનું સમાધાન શું છે તે મુદ્દે એકબીજા પર આરોપો લાગી રહ્યા છે, કોઈ ખેડૂતોને પરાળ સળગાવવાનાં લીધે દોષ આપી રહ્યા છે તો કોઈ દિવાળીનાં ફટાકડાને,એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઝાટકણી કાઢતા તાત્કાલિક ઈમરજન્સી પગલાં લેવાના અને રિપોર્ટ આપવાના આદેશ આપ્યા હતા જે મુદ્દે આજે ફરી સુનાવણી કરવામાં આવી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદની વચ્ચે કોર્ટમાં દેશનાં મુખ્ય ન્યાયાધીશ રમણાએ કહ્યું કે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણીઓ કરવી ખૂબ સરળ છે પરંતુ તેમની સમસ્યા કોઈ સમજવા તૈયાર નથી કે તેમને પરાળ કેમ બાળી નાંખવી પડે છે. રમણાએ કહ્યું કે મારી પાસે રિપોર્ટ આવ્યો છે જેમા છે કે ફટાકડાનો પ્રદૂષણમાં કોઈ યોગદાન નથી, તો શું આ રિપોર્ટને માની લઇએ? અત્યારે એ જોવાનો ટાઈમ નથી કે પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે? અત્યારે સોલ્યુશન કાઢવાનો સમય છે.

કેન્દ્ર સરકારે આજે સર્વોચ્ચ અદાલતમાં સોગંધનામુ આપ્યું હતું જેમા કહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ કરવાના આદેશ આપી શકાય તેમ નથી, તેની જગ્યાએ કાર પૂલનો સુઝાવ આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓના વાહનોની અવરજવર બંધ કરવાથી પ્રદૂષણમાં પણ કોઈ મોટી રાહત નહીં મળે.

નોંધનીય છે જે વાયુ પ્રદૂષણ મુદ્દે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારનાં અધિકારી વચ્ચે આપાતકાલ બેઠક કરવામાં આવી હતી જેમા શું નિર્ણય લેવા તેના પર ચર્ચા કરવામાં આવી હતી.

દિલ્હી સરકારે આગામી આદેશ સુધી શાળા અને કોલેજોને બંધ કરી દેવાના આદેશ આપ્યા છે અને સાથે સાથે પ્રાઇવેટ ઓફિસમાં પણ ૫૦ ટકા લોકોને વર્ક ફ્રોમ હોમ આપી દેવાના આદેશ આપ્યા છે. આ સિવાય નિર્માણકાર્ય પર રોક જેવા અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે. દિલ્હીમાં જીવ જરૂરી સામાન સિવાયના કોઈ ટ્રકને એન્ટ્રી આપવામાં આવશે નહીં.

(3:20 pm IST)