Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અલનીનો ફરી ભયાનક તબાહી મચાવશેઃ વિશ્વભરના તાપમાનમાં થશે ભીષણ વધારો

અલનીનો ભારતીય ચોમાસાની પથારી ફેરવે તેવી શકયતા

નવી દિલ્‍હી, તા.૧૮: ક્‍લાઈમેટ ચેન્‍જની આડ અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. જેના કારણે વિશ્વના તાપમાનમાં વધારો થયો છે. વિશ્વના તાપમાનને લઈને વૈજ્ઞાનિકોએ ફરીથી એલર્ટ જાહેર કર્યું છે. હવે વૈજ્ઞાનિકોએ આગાહી કરેલ અલ નીનોની અસર અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે આ વર્ષના અંતમાં અલ નીનો આબોહવાની ઘટના પરત આવવાને કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થશે અને ગંભીર હીટવેવ્‍સ આવશે. પ્રારંભિક આગાહી સૂચવે છે કે અલ નીનો ૨૦૨૩ પછી ફરી પાછો આવશે અને તે સમગ્ર વિશ્વમાં તાપમાનમાં વધારો કરશે.

ન્‍યૂઝ એજન્‍સી ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ‘અલ નીનો'ના કારણે દુનિયા ૧.૫ ડિગ્રી સેલ્‍સિયસના તાપમાનને પાર કરે તેવી ઘણી સંભાવનાઓ છે. અલ નીનોની અસર ૨૦૧૬માં પણ જોવા મળી હતી. અલ નીનોના કારણે ૨૦૧૬ એ ઇતિહાસમાં સૌથી ગરમ વર્ષ હતું. તે વર્ષે અલ નીનોને કારણે સખત ગરમી પડી હતી. જે બાદ ફરી એકવાર વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે.

અલ નિનો શું છે? : અલ નીનો એ આબોહવાની પેટર્ન છે. તે પેસિફિકમાં સમુદ્રના તાપમાન અને પવનો દ્વારા સંચાલિત કુદરતી ઓસિલેશનનો એક ભાગ છે. અલ નીનો તેના ઠંડા સમકક્ષ, લા નીના અને તટસ્‍થ પરિસ્‍થિતિઓ વચ્‍ચે સ્‍વિચ કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સતત લા નીના ઇવેન્‍ટ્‍સનો અસામાન્‍ય ક્રમ જોવા મળ્‍યો છે. આ વર્ષ એટલે કે ૨૦૨૩ પહેલાથી જ ૨૦૨૨ કરતા વધુ ગરમ રહેવાની આગાહી કરવામાં આવી છે. અલ નીનો ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળા દરમિયાન થાય છે અને તેની ગરમીની અસરો અનુભવવામાં મહિનાઓ લાગે છે. જેનો અર્થ એ થયો કે ૨૦૨૪માં વૈશ્વિક તાપમાનનો નવો રેકોર્ડ સ્‍થાપવાની શકયતા વધુ છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે

માનવ પ્રવળત્તિઓ દ્વારા ઉત્‍સર્જિત ગ્રીનહાઉસ વાયુઓએ આજ સુધીમાં સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આશરે ૧.૨ જી સે વધારો કર્યો છે. તેણે સમગ્ર વિશ્વમાં આપત્તિજનક અસર કરી છે. અમેરિકા અને યુરોપમાં ભારે હીટવેવથી લઈને  પાકિસ્‍તાન અને નાઈજીરિયામાં વિનાશક પૂર સુધી, પર્યાવરણ સાથે ચેડાંને કારણે લાખો જીવનને નુકસાન થઈ રહ્યું છે.

યુકે મેટ ઓફિસના પ્રોફેસર એડમ સ્‍કેફે જણાવ્‍યું હતું કે, ‘આગામી મોટો અલ નીનો ૧.૫ ડિગ્રીથી વધુ તાપમાનમાં વધારો કરી શકે તેવી સંભાવના છે. જોકે સંભવિત અલ નીનોનું પ્રમાણ હજુ સ્‍પષ્ટ નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ૨૦૨૪માં અલ નીનોના કારણે આકરી ગરમી પડી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જૂન સુધીમાં અલ નીનો સંબંધિત ચિત્ર સ્‍પષ્ટ થઈ જશે.

આ વર્ષે, ૨૦૨૩માં, ભારતમાં ચોમાસું સરેરાશથી ઓછું રહેવાની સંભાવના આ વર્ષે ખતરનાક અલ નિનોનું આગમન થઈ રહ્યું છે ત્‍યારે પ્રારંભિક કલાઈમેટ પેટર્ન અને પ્રોજેક્‍શન ભારતમાં આ વર્ષે અત્‍યંત નબળું ચોમાસું સૂચવે છે.

આ અગાઉઃ  દક્ષિણ પશ્‍ચિમ (નૈઋત્‍ય) ચોમાસાનો વરસાદ ૨૦૧૪ માં મધ્‍યમ દુષ્‍કાળ તરફ અને ૨૦૧૮માં લગભગ દુષ્‍કાળની નજીક રહેલ. ભારતીય હવામાન ખાતુ ૨૦૨૩ માટે એપ્રિલ મહિનામાં ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરશેઃ ન્‍યૂઝફર્સ્‍ટ.

(11:23 am IST)